- આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા અંતર્ગત સભા યોજાઈ
- ધરમપુર અને કપરાડામાં અનેક ગામોના કાર્યકરો જોડાયા
- ભાજપ સરકાર ઉપર અનેક આક્ષેપો કર્યા
વલસાડ: કોરોનાકાળમાં વલસાડ જિલ્લામાં પણ અનેક લોકોના મોત થયા છે. હાલમાં આમ આદમી પાર્ટી દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા અનેક લોકોને આત્માને શાંતિ માટે તેમજ વિવિધ જિલ્લાઓમાં તેમના સંગઠનને મજબૂત કરવા માટે જન સંવેદના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને જાણીતા નેતા ઈશુદાન ગઢવી દરેક જિલ્લામાં ફરી રહ્યા હતા પરંતુ વલસાડ જિલ્લામાં આ બન્ને નેતાઓ જ સંવેદના યાત્રામાં ગેરહાજર રહ્યા છે. તેમના સ્થાને આ જન સંવેદના યાત્રામાં મહેશ સવાણી અને રામ ઘડૂકે હાજરી આપી સભા સંબોધી હતી.
ભાજપ સરકારે આમ પ્રજાને મોંઘવારી આપી કમર તોડી નાખી છે: રામ ઘડૂકે
આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં પ્રદેશના સંગઠન પ્રધાન રામ ધડક દ્વારા જણાવ્યું કે, ભાજપ સરકારે સામાન્ય પ્રજાને મોંઘવારી સિવાય બીજું કંઈ આપ્યું નથી. સામાન્ય પ્રજાને સ્પર્ધા અને પ્રાથમિક જરૂરિયાતોના અનેક ચીજ-વસ્તુઓના ભાવ વધારી દીધા છે. જેમાં સરકારે પેટ્રોલ- ડીઝલ, રાંધણગેસ જેવા અનેક ચીજ-વસ્તુઓના ભાવ વધારી દીધા છે. આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં તમામ લોકોને ઇલેક્ટ્રિકસીટી પણ ફ્રીમાં આપી રહી છે. સાથે જ શિક્ષણ પ્રત્યે ખૂબ વધુ ભાર મૂક્યો છે. આગામી 2022 માં આવી રહેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને એક મોકો આપવો જોઈએ.
ગુજરાતની ભાજપ સરકાર રિમોટ કન્ટ્રોલથી ચાલતી સરકાર છે: મહેશ સવાણી
આમ આદમી પાર્ટીની જ સંવેદના યાત્રા અંતર્ગત ધરમપુર અને કપરાડા બંને જગ્યા પર વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધરમપુર અને કપરાડા વિસ્તારમાં કોરોનામાં મોતને ભેટેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જે અંગે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. તો સાથે જ આ કાર્યક્રમ અંતર્ગત સુરતના જાણીતા આમ આદમીના નેતા મહેશ સવાણીએ ગુજરાત સરકાર પર નિશાન સાધતાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર રિમોટ કન્ટ્રોલથી ચાલતી સરકાર છે. તેમણે કહ્યું કે, કોરોના કાળમાં અનેક લોકો મોતને ભેટ્યા છે જેમાં ગુજરાત સરકાર આરોગ્ય સેવા આપવામાં ગુજરાત સરકાર નિષ્ફળ નીવડી છે. જેનો દોષનો ટોપલો પોતાના માથે લેવાનું મૂકીને વિજય રૂપાણીના માથે ઢોળી તેને રાજીનામું આપી દીધું છે. આમ ચેહરા બદલવાથી વાસ્તવિકતા બદલાય જવાની નથી ગુજરાત સરકારનું રિમોટ દિલ્હીથી ચાલે છે. એટલે કે સરકાર રિમોટ કન્ટ્રોલથી ચાલતી સરકાર છે.
મહેશ સવાણીનું વિવાદિત નિવેદન ભુપેદ્ર પટેલને વિધાન સભા ક્ષેત્રમાં કોઈ ઓળખતું નહિ હોય: મહેશ સવાણી
ધરમપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા આમ આદમી પાર્ટીના સુરતના નેતા મહેશ સવાણીએ નવા બનેલા મુખ્યપ્રધાન ઉપર નિશાન સાથે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ભુપેન્દ્ર પટેલ જે નવા મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા છે. તેમને પોતાના વિધાનસભા ક્ષેત્રમાં પણ કોઈ ઓળખતું નહીં હોય. સાથે જ તેમણે કહ્યું કે, ચહેરો ભલે બદલાય પરંતુ રિમોટ કંટ્રોલ તો કેન્દ્રમાંથી ઓપરેટ થાય છે. એટલે કે ગુજરાતની ભાજપ સરકાર રિમોટ કન્ટ્રોલથી ચાલતી સરકાર છે.