વલસાડઃ જિલ્લામાંથી પસાર થતા મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે-48 પર ખડકી રેમન્ડ કંપની પાસે હાઇવે ઓથોરિટી દ્વારા રોડની વચ્ચે બ્રિજની કામગીરી ચાલી રહી છે. બ્રિજની કામગીરી ચાલુ હોવાના કારણે વૈકલ્પિક રીતે ડાઈવર્ઝન આપી એકલ-દોકલ વાહનો પસાર કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત ડાઈવર્ઝન પરના સર્વિસ રોડ ઉપર પણ ખાડા પડી જતા વાહનો ખૂબ ધીમી ગતિએ પસાર થઇ રહ્યા છે. જેના કારણે છેલ્લા 8 દિવસથી ખડકીથી લઈને પારડી પાર નદી સુધી હાઇવે ઉપર વાહનોની 5 કિમી લાંબી લાઈનનો ખડકલો જામે છે. આજે પણ સોમવારની વહેલી સવારે ખડકી ગામથી પારડી પોલીસ મથક સુધી હાઇવે પર ટ્રકોની લાંબી લાઇન જોવા મળી હતી. જે બપોરે અઢી વાગ્યા સુધીમાં ધીમી ગતિએ પસાર થતી જોવા મળી રહી છે.
આ મુદ્દે ટ્રક ચાલકોએ જણાવ્યું કે, ચોમાસા દરમિયાન દરેક રોડની હાલત ખરાબ બની જાય છે. તેના કારણે વાહનો ધીમે-ધીમે પસાર થતા હોય છે.
નોંધનીય છે કે, હાઇવે પર વધતા જતા ટ્રાફિકને ધ્યાને રાખી પોલીસે કાર માટે ભેંસલાપાડા અને ડુંગરી થઈને નવા હાઇવે ઉપર નીકળતો રોડ પણ શરૂ કર્યો છે. પણ એ રોડનું વરસાદી પાણીને કારણે ધોવાણ થતા માર્ગની હાલત બિસ્માર બની છે. પરિણામે ત્યાં પણ વાહનોની કતારો જોવા મળે છે. જેના કારણે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.