- ધરમપુર પ્રાંતમાં સીસોદીયા વંશનાનું હતું રાજ
- ધરમપુરમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિર ખૂબ પૌરાણિક
- રાજકુમારી મોહનીબાઈના નામે મોહનીશ્વર મહાદેવ મંદિર
વલસાડ : ધરમપુર પ્રાંતમાં સીસોદીયા વંશનાનું રાજ હતું. તેઓ ખુબ ધાર્મિક અને સંગીત પ્રેમી પણ હતા. એથી જ ધરમપુર અને તેની આસપાસના ગામોમાં અનેક મંદિરો તો છે. પણ એકલા ધરપપુરમાં જ 14 જેટલા દેવાલયો આવેલા છે. જેમાં લક્ષ્મીનારાયણ મંદિર પણ ખુબ પૌરાણિક છે. અહીં તે સમયે અનેક સંતો મહંતો આવીને દર્શન કરી ચૂક્યા છે.
ધરમપુરના લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર 150 વર્ષ કરતા પણ પૌરાણિક
ધરમપુરમાં રાજા મોહનદેવજીના સમયમાં ધરમપુર અને તેની આસપાસમાં અનેક મંદિરો બન્યાનો ધરમપુર હિસ્ટ્રીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ લક્ષ્મીનરાયણ મંદિર ક્યારે બન્યું એનું કોઈ ઉલ્લેખ તેમાં નથી. જોકે, જે વડીલો હતા તેમના કહ્યા મુજબ અંદાજિત 150 વર્ષ કરતા પણ વધુ પૌરાણિક આ મંદિર છે. તેમાં કલાત્મક લાકડામાંથી કોતર કામ કરીને તેની બનાવટ કરવામાં આવી છે.

આજ પ્રકારના ત્રણ દરવાજા ધરાવતું શિવાલય કાશ્મીરના ગુલમર્ગમાં પણ
ધરમપુરના રાજા મોહન દેવજીના સુપુત્રી મોહનીબાઈ સાથે કાશ્મીરના રાજા હરિસિંહજીનો વિવાહ થયેલો અને તેથી કાશ્મીર સાથે ધરમપુરના રાજ ઘરનાનો સબંધ ખુબ જૂનો છે. મોહનીબાઈ ત્યાં ગયા બાદ તેમના માટે ધરમપુરના જેવું જ કહેવાતું એક મંદિરનું નિર્માણ રાજા હરિસિંહજીએ ગુલમર્ગમાં કરાવ્યું હતું. તે મંદિર આજે પણ હયાત છે. ત્યાંની તકતી આજે પણ ધરમપુરના રાજકુમારી મોહનીબાઈના નામે મોહનીશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતું છે.
મંદિરના જીર્ણોધ્ધાર માટે સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરી
જોકે, જેવું ધરમપુરમાં લક્ષ્મી નારાયણ મંદિર છે, એવું આબેહૂબ મંદિર નથી. પરંતુ બાહ્ય દેખાવ ક્યાંય થોડો ઘણો ઘાટે મળતો આવે છે. ધરમપુરના લક્ષ્મી નારાયણ મંદિરમાં ઉપરના ભાગે એક માળ બનાવેલો છે. મંદિરના દરવાજા પૂર્વ અને ઉત્તર દક્ષિણમાં ખુલે છે. જયારે ગુલમર્ગમાં ત્રણ દરવાજા છે, પણ ઉપર માળ નથી. પણ બાહ્ય દેખાવ મહદ અંશે મળતો આવે છે. તેમજ મંદિરની પ્રતિમાઓ પણ આકારે મળતી આવે છે. લક્ષ્મીનારાયણ મંદિર માટે હાલ સ્થાનિક યુવકોનું મંડળ દેખરેખ રાખી રહ્યું છે. વાર તહેવારે અહીં વિવિધ કાર્યકમો યોજાય છે. અનેકવાર મંદિરના જીર્ણોધ્ધાર માટે સરકાર સમક્ષ રજૂઆતો કરી પણ તમામ રજૂઆતો સરકારના બહેરા કાને અથડાઇને પરત થઇ છે.
આજે પણ તકતી પર ધરમપુર રાજ્યના રાજકુમારીનું નામ અંકિત
આમ ધરમપુરનો કાશ્મીર રાજ્ય સાથે વર્ષો જૂનો સંબંધ છે, એટલે ધરમપુરમાં જે મંદિર છે, એવું જ આબેહૂબ નહિ. પરંતુ તેને કળાકારીગીરીને મળતું આવતું શિવાલય એક ગુલમર્ગમાં હયાત છે. તેની તકતી પર આજે પણ ધરમપુર રાજ્યના રાજકુમારીનું નામ અંકિત છે.