વલસાડ: કપરાડા તાલુકાના ગિરનારા ગામે સુથાર પાડા ફળીયામાં આવેલ નડગ દેવની ટેકરી ઉપરનો ભાગ બે દિવસ પહેલા બેસી ગયો હતો. જેમાં 3થી 4 ફૂટ જેટલી તિરાડ પણ પડી ગઈ હતી અને વચ્ચેની ભાગ ગોળાકારમાં જમીનની અંદર ચાલી જતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. હાલ છેલ્લા એક અઠવાડિયાથી આ વિસ્તારમાં વરસાદે દેખા દીધી નથી, ત્યારે આવા સમયે અચાનક જમીનનું બેસી જવું શંકાસ્પદ છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, 2 દિવસ પહેલા મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલા ભૂકંપ બાદ તેના આફ્ટર શોક વલસાડ સુધી આનુભવાયા હતા. જે બાદ જ આ ઘટના રાત્રીના સમયે બની હતી. સવારે જ્યારે લોકો ટેકરી તરફ ફરવા આવ્યા ત્યારે લોકો સમક્ષ ઘટના આવી હતી. હજૂ પણ આ જમીન અંદર ધસી શકે એમ છે અને જો વરસાદ થાય તો બેસી ગયેલી જમીનનો મલબો છેક ટેકરીની નીચે સુધી આવે તેવી શક્યતા વધી છે.
આ ઘટનાની જાણકારી મળતા કપરાડા તાલુકાના TDO આર. વી. પટેલ, મામલતદાર કલ્પેશ સુવેરા સહિતના અધિકારીએ ઘટના સ્થળની મુલાકાત લીધીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઘટના બાબતે રિપોર્ટ બનાવીને કલેક્ટર અને ડિઝાસ્ટર વિભાગમાં મોકલી દેવામાં આવ્યો છે. આ સાથે ભૂસ્તર વિભાગને પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં જાણકારી આપવામાં આવી હોવાનું ટેલોફોનિક વાતચીતમાં કપરાડા મામલતદાર કલ્પેશ સુવેરાએ ETV BHARATને જણાવ્યું હતું.
નોંધનીય છે કે, આજથી 40 વર્ષ પૂર્વે પણ આવી ઘટના આજ વિસ્તારમાં બની હતી અને ફરીથી આવી ઘટના ભૂકંપના લીધે બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં ભૂસ્તર વિભાગની ટીમ પણ ગામની મુલાકાત લેશે.