- વાપીના કચ્છી વડીલે આપ્યું અંગોનું દાન
- ગ્રીન કોરિડોર મારફતે સિમ્સ હોસ્પિટલમાં લઈ જવાયા અંગો
- કિડની, લીવર અને આંખનું કર્યું દાન
વલસાડઃ જિલ્લાના વાપી માટે સોમવારનો દિવસ ઐતિહાસિક દિવસ બન્યો હતો. વાપી નજીક વલવાડા ગામે રહેતા મૂળ કચ્છના રમેશભાઈ ભાનુશાલી નામના વડીલના અંગોને ગ્રીન કોરિડોર મારફતે વાપીથી નવસારી, સુરત અને અમદાવાદ મોકલવામાં આવ્યાં હતાં.
વાપી નજીક વલવાડા ગામે રહેતા 58 વર્ષીય રમેશભાઈ ભાનુશાલી બ્રેઇન ડેડ થયા હતાં. જેની અંતિમ ઇચ્છા પોતાના અંગોનું દાન કરવાનું હોય બુધવારે વાપીની હરિયા હોસ્પિટલમાં અમદાવાદની સિમ્સ હોસ્પિટલના તબીબો ઉપસ્થિત રહી રમેશભાઈની આંખ, કિડની અને લીવરને સુરક્ષિત અમદાવાદ લઈ ગયા હતા.
અંગનું દાન કરી સમાજના દરેક વર્ગને નવી રાહ ચીંધી
રમેશભાઇના અંગોમાં આંખને નવસારીમાં સુપ્રત કર્યા બાદ કિડની અને લીવરને સુરત એરપોર્ટથી ફ્લાઇટ મારફતે અમદાવાદ લઈ જઈ ત્યાં અન્ય દર્દીમાં પ્લાન્ટ કરવામાં આવશે. અંગોનું દાન આપનારા રમેશભાઈ ગરીબ પરિવારના હતાં. પરન્તુ તેમણે દાનમાં મહાદાન એવું અંગનું દાન કરી સમાજના દરેક વર્ગને નવી રાહ ચીંધી હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું.
અશ્રુભીની આંખે પરિવારજનોએ આપી વિદાય
ઉલ્લેખનીય છે કે, વાપીથી પ્રથમ નવસારી અને ત્યારબાદ સુરત એરપોર્ટ સુધી 58 વર્ષીય રમેશભાઇના અંગોને સુરક્ષિત લઈ જવા માટે વાપીથી નવસારી સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. અંગદાનને અમદાવાદ લઈ જતી વખતે વાપીમાં રમેશભાઈના પત્ની, પુત્રો, પુત્રી, જમાઈ અને સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓની એક આંખમાં રમેશભાઈની વિદાયના અશ્રુ હતાં તો બીજી આંખમાં રમેશભાઇ અન્ય 5 લોકોના શરીરમાં જીવિત રહેશે તેની ખુશીના અશ્રુ હતાં.