વલસાડ જિલ્લામાં લોકસભા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ત્યારે મંગળવારે વાપીમાં ભાજપ કાર્યકર્તાઓની મળેલી સંકલન બેઠકમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસ પાર્ટીને હરામજાદાઓની પાર્ટી અને દેશદ્રોહીઓને પ્રોત્સાહન આપતી પાર્ટી ગણાવી હતી. આવી પાર્ટીઓને ક્યારેય મત ન અપાય તેવું નિવેદન કર્યું હતું. એ ઉપરાંત જીતુ વાઘાણીએ કોંગ્રેસ અને કોંગ્રેસ પક્ષના રાહુલ ગાંધી પર પણ આકરા પ્રહારો કર્યા હતા.
જેના જવાબમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધારાસભ્ય અને હાલ લોકસભા ચૂંટણીના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીએ વળતા આક્ષેપો કર્યા છે. જીતુભાઈ ચૌધરીએ જીતુ વાઘાણીને સણસણતો જવાબ આપતા જણાવ્યું છે કે, કોંગ્રેસ પક્ષ નહીં પરંતુ હરામજાદાઓ ગાંધીજીની હત્યા કરનારા ભાજપવાળા અને RSSની વિચારધારા વાળા છે. કોંગ્રેસ તો દેશને આઝાદી અપાવનાર પક્ષ છે. હરામજાદા ભાજપના આગેવાનો છે. તેમના મોઢે આ શોભતું નથી.
ઉલ્લેખનીય છે કે, હાલની લોકસભા ચૂંટણીમાં ભાજપના જીતુ વાઘાણી અને મધુ શ્રીવાસ્તવ તરફથી ધમકીભર્યા બેફામ નિવેદનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી પણ હવે ભાજપને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવી રહ્યો છે. એક બીજા પરની આક્ષેપબાજીમાં લોકસભા ચૂંટણીનું રાજકારણ હાલ તો ગરમાયુ છે. ત્યારે જોવું રહ્યું કે, આ ગરમાયેલા રાજકારણમાં આખરે કોણ બાજી મારશે.