માહિતી પ્રમાણે, JBF ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વર્ષ 2017માં કરેલા ટ્રાફિક સર્વે મુજબ ભીલાડથી સરીગામ GIDC તરફ મુખ્ય માર્ગ પર 24 કલાકમાં 68429 વાહનોનું આવાગમન છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ એક કલાકમાં આ માર્ગ પર 826 દ્વિચક્રી વાહનો, 726 થ્રી વ્હીલર વાહનો, કાર, જીપ, વેન જેવા 275 વાહનો અને હેવી મોટર વ્હિકલ (HMV) જેવા કે ટ્રક, બસ, ટ્રેકટર જેવા 382 વાહનો એક કલાકમાં પસાર થાય છે. મતલબ કે 24 કલાકમાં 15047 HMV વાહનો આ માર્ગ પર પસાર થાય છે. જે જોતા આગામી દિવસોમાં હજુ વધુ ટ્રાફિકનું ભારણ વધશે અને લોકો ઔદ્યોગિક પ્રદુષણ અને વાહનોના પ્રદૂષણના કારણે ગંભીર બીમારીઓના ભરડામાં ધકેલાતા જશે.
ભીલાડના માજી ઉપ-સરપંચ અને સામાજિક કાર્યકર સુનિલ સિંઘવીએ જણાવ્યું હતું કે, ધીમા પગલે આવી રહેલું ટ્રાફિકનું આ મોત આગામી દિવસોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. આ અંગે સરીગામ ઔદ્યોગિક વિસ્તારમાં JBF-મદુરા સહિતની અનેક કંપનીઓના એક્સપાંશન અને નવી સ્થાપિત થનાર કંપનીઓને કારણે ભિલાડમાં ટ્રાફિકનું ભારણ તો વધ્યું છે, તે સાથે જ ડસ્ટ પોલ્યુશન, એર પોલ્યુશન, સાઉન્ડ પોલ્યુશન પણ વધી રહ્યું છે. છેલ્લા 12 વર્ષથી આ સમસ્યા સામે લડત ચલાવતા હોવા છતાં ભીલાડને આ ટ્રાફિક સમસ્યામાંથી બહાર કાઢવા માટેનો બાયપાસ રોડ કે, ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો નથી.
ભિલાડના ભાજપ શક્તિ કેન્દ્રના પ્રમુખ અને વલસાડ જિલ્લાના VHP ના કાર્યકારી પ્રમુખ પિયુષકુમાર શાહે જણાવ્યું હતું કે, અમે દરરોજ ઘરેથી નીકળીએ છીએ ત્યારે ડરીને નીકળવું પડે છે કે, પરત ઘરે ફરશું કે નહીં. ભિલાડમાં વધી રહેલા ટ્રાફિકમાંથી મુક્તિ અને જીવને બચાવવા માટે અમારે કુદરતનો નહીં, પરંતુ રાજકારણીઓનો સહકાર જોઈએ છે. કંપનીઓના વાહનોનું પ્રદુષણ અમને ગૂંગળાવી રહ્યું છે. જીવન જીવવા માટે અમારે ઓક્સિજન કરતા કાર્બન ડાયકસાઈડ લેવાનું નસીબે આવ્યું છે. જો બાયપાસ માર્ગ નહીં બને તો, ભિલાડમાં આગામી દિવસોમાં ટ્રાફિક સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરશે, જેથી જરૂર પડ્યે અમે આંદોલન પણ કરીશું.
JBF કંપનીનો રિપોર્ટ 2017નો છે જેમાં 68,429 વાહનોનું દૈનિક આવાગમન બતાવ્યું છે, પરંતુ 2019ના રિપોર્ટ મુજબ તો આ આંકડો 1 લાખની આસપાસ પહોંચ્યો છે જેનાથી સ્થાનિક લોકો બેખબર છે. હવે જોવું રહ્યું કે, ભિલાડની ટ્રાફિક સમસ્યા સ્થાનિક નેતા અને આદિજાતિ મિનિસ્ટર રમણ પાટકર હલ કરવામાં આગળ આવે છે કે, પછી જન આંદોલન જ એકમાત્ર ઉપાય બનશે.