સમગ્ર વિશ્વને ચંદ્રયાન ઉપગ્રહ ચંદ્રના દક્ષિણ છેડે ઉતારીને ધ્યાન આકર્ષિત કરનાર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સંસ્થા અમદાવાદના સહયોગથી વલસાડના ધરમપુર ખાતે આવેલા જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં આજે એટલે કે 2 ઓક્ટોબરથી 4 ઓક્ટોબર સુધી એક વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ઇસરોના સ્થાપક અને ચેરમેન એવા ડૉ.વિક્રમ સારાભાઈની 100મી જન્મદિનની ઉજવણીના ભાગરૂપે આ પ્રદર્શન ધરમપુર ખાતે આયોજીત કરવામાં આવ્યું છે. જેમાં ઇસરો દ્વારા આજદિન સુધી અવકાશમાં મોકલવામાં આવેલા મહત્વના ઉપગ્રહો ભાસ્કર ,PSLV, ચંદ્રયાન, તથા મંગળયાનના મોડેલો રજુ કરવામાં આવ્યા છે.
પ્રદર્શન આયોજન કરવાનો મુખ્ય હેતુ એ છે કે, ગ્રામીણ ક્ષેત્રના બાળકો જેમને વિજ્ઞાનમાં રુચી હોય તેઓ સ્પેસ અને ઉપગ્રહો અંગે મહત્વની જાણકારી મેળવી શકે. આજે પ્રથમ દિવસે જ અનેક સ્કૂલોના વિધાર્થીઓએ પ્રદર્શનનો લાહવો લીધો હતો.
નોંધનીય છે કે, સમગ્ર વિશ્વમાં 200 દેશો માંથી 6 દેશ સ્પેસ અંગેનું કામ કરે છે. જેમાં ભારત ચોથા ક્રમે આવે છે. અવકાશમાં અત્યારે ભારતના 116 જેટલા યાન કાર્યરત છે. જ્યારે, સમગ્ર દુનિયાના દેશોના અંદાજિત 5000થી પણ વધુ ઉપગ્રહો કાર્યરત છે. જોકે, ચંદ્ર પર અત્યાર સુધીમાં અનેક દેશો દ્વારા પહોંચવા 15 થી 17 પ્રયાસ કરવામાં આવ્યા પછી સફળતા મળી છે. જ્યારે ભારતે પ્રથમ પ્રયત્નમાં જ ચંદ્ર પર યાન ઉતારી દીધું હોવાની માહિતી ઇસરોના કર્મચારીઓએ આપી હતી.
આ પ્રદર્શની સાથે ઇસરો અમદાવાદના જીજ્ઞેશભાઈ રાવલ (ટેક્નિકલ ઓફિસર), પી.સી.શાહ (આસી. એન્જીનીયર), મુકેશ પટેલ (જુની.એન્જીનીયર), વાય.એસ. ડેથોલીયા (રિટાયર્ડ સિનિયર પ્રોજેક્ટ આસી), ટી.વી.પટેલ (સિનિયર પ્રોજેકટ આસીસ્ટન્ટ) સાથે રહ્યા હતા.