વલસાડ: કપરાડા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપાં જોડાયેલા જીતુ ચૌધરીને લીધે કપરાડા ભાજપ સંગઠનમાં બે ભાગલા થયા હોવાનું બહાર આવી રહ્યું છે. ભાજપના મોવડી મંડળે કપરાડાના નીચલા સંગઠનના કાર્યકરો કોઈ પણ પ્રકારે જાણકારી વિના કોંગ્રેસથી છેડો ફાડીને આવેલા જીતુ ચૌધરીને ટીકીટ માટે દાવેદાર દર્શાવતા કપરાડા ભાજપમાં પેટા ચૂંટણી પહેલા જ બે જૂથ પડી ગયા છે. જેમાં તાલુકા ભાજપ પ્રમુખ ગુલાબ રાઉતનું એક જૂથ તો બીજી તરફ પીઢ નેતા મધુભાઈ રાઉતનું ગૃપ પડી ગયું છે. આજે માધુભાઈ રાઉત આણી ગૃપ દ્વારા એક સંગઠન બેઠક કપરાડા ખાતે યોજાઈ હતી જેમાં તેમની સાથે ના ભાજપના જ હોદેદારો જિલ્લા ભાજપ પ્રમુખની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ હોવાનો આક્ષેપ જાહેર મંચ ઉપરથી કર્યો હતો તેમજ તાલુકા પ્રમુખે માત્ર મંડળીઓ બનાવી સ્વ વિકાસ કર્યો હોવાની વાતો કરી હતી. આવા લોકોને સહયોગ આપતા પૂર્વે ચેતતા રહેવા પણ કાર્યકરોને હાકલ કરવામાં આવી છે.
કપરાડા ધારાસભ્યની પેટા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપમાં જૂથવાદ ચરમસીમાંએ પોહોચ્યો છે. જેમાં સંગઠનના કાર્યકરોની બેઠકમાં તાલુકા ભાજપ પ્રમુખ ગુલાબ રાઉતે તેમજ જિલ્લા ભાજપ પ્રમુખે હાલમાં જ યોજાયેલી સંગઠનની બેઠકમાં મધુભાઈ રાઉત સહિતના કેટલાક કાર્યકરોને જાણ કરવામાં ન આવી અને બહારો બહાર જ બેઠક ગોઠવી દીધી હોય નારાજ મધુભાઈ જૂથ દ્વારા આજે કપરાડા હાઈસ્કૂલના હોલમાં કાર્યકરો સાથે બેઠક યોજી કપરાડાના ભાજપ પ્રમુખ ગુલાબ રાઉત સંસદ ડો. કે.સી પટેલ સામે રોષ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે, તાલુકા પંચાયતના ઉપપ્રમુખને જાણ કર્યા વિના જ પ્રમુખ ગુલાબ રાઉતે વિવિધ સહકારી મંડળીઓ બનાવીને ટીપી કમિટીના કામો લઈ સ્વ વિકાસ કરી લીધો છે.
ડો.કે સી પટેલ પણ કપરાડાને સાંસદ ફંડમાંથી કાઈ આપ્યું નથી અને જેઓ સાંસદ ફંડના કામ માંગવા ગયા હતા તેમને એમ કહ્યું હતું કે, ગુલાબભાઈ જેને કહેશે એને કામ આપવામાં આવશે. તો બીજી તરફ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુ દેસાઈ જેમણે સંગઠનને સાચવાની જવાબદારી હોય તેઓ જ કપરાડાના કાર્યકરોમાં ભાગલા પાડોને રાજકરોની નીતિ આપનાવી રહ્યા છે એવો સીધો આક્ષેપ મધુભાઈ રાઉતે કર્યો હતો. મધુભાઈ રાઉતે કહ્યું કે, તેઓને પાર્ટીનો વિરોધ નથી પણ જેઓ મનસ્વી વલણ આપનવી બેઠા છે અને માત્ર એક લોબી ચલાવી લોકોમાં વિકાસને સ્થાને સ્વ વિકાસ કરી રહ્યા છે તેમનો વિરોધ છે. મહત્વનું છે કે, બે દિવસ અગાઉ જીતુ ચૌધરી અને કનું દેસાઈ સહિતની અધ્યક્ષતામાં કાર્યકરોની બેઠક થઈ ત્યારે મધુભાઈ આણી મંડળીને જાણકારી અપાઈ ન હોવાનું પણ આ બેઠક માં તેમણે જણાવ્યું હતું.
નોંધનિય છે કે, આજે આ બેઠકમાં માજી ધારાસભ્ય મધુભાઈ રાઉતએ PMC ચેરમેન મુકેશ પટેલ, જીતુભાઇ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શંકરભાઇ જીવલાભાઈ પટેલ, માજી તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ ગાંવીત તેમજ બેઠકના અધ્યક્ષ ભરતભાઈ પટેલ સહિત અનેક નારાજ લોકો આજે કપરાડા તાલુકા ભાજપ પ્રમુખ ગુલાબ રાઉત, કનુભાઈ દેસાઈ અને સાંસદ ડો. કેસી પટેલ સામે ઉગ્ર રોષ વ્યકત કર્યો હતો. નોંધનીય છે કે, પેટા ચૂંટણી પહેલા જો ભાજપ કપરાડામાં જૂથવાદ અને પડેલા ભાગલા નહીં અટકાવે તો તેનું પરિણામ ભાજપના વિરૂદ્ધ આવી શકે છે. કારણ કે, ભાજપમાં જ અંદરો અંદર ત્રણ ભાગ અગાઉ હતા અને એમાં પણ કોંગ્રેસમાંથી ભાજપના ખોળે જીતુભાઇ આવી જતા તેનું જુઠબંધી વધુ ઉગ્ર બની છે.