વાપીઃ કોરોના વાઈરસના સંકટ સમયે ભારતમાં લોકડાઉનની સ્થિતિ છે. સરકાર કોરોના સામેની લડાઈમાં અગ્રેસર રહી અનેક ઉપાયો દ્વારા તેને માત આપવાની લડાઈ લડી રહી છે. ત્યારે આવા સમયે ભારતમાં અનેક નવા સંશોધનો થઈ રહ્યા છે. દેશની જાણીતી ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ કોરોના વાઈરસના પ્રતાપે દેશમાં હાલ અનેક આવિષ્કારોનો જન્મ થયો છે.
ભારતનું દેશી ટેલેન્ટ
આ જંગમાં ભારત અનેક આવિષ્કારો સાથે સતત આગળ વધી રહ્યું છે. કોરોના વાઈરસને હરાવવા માટે ભારતમાં ખાસ ટેસ્ટીંગ કિટ બનાવવામાં આવી છે. તે સાથે જ દેશી ટેલેન્ટના આધારે રોબોટ બનાવવામાં આવ્યા છે. એક સમયે શીતળા, ટીબી, ઓરી જેવી બીમારીઓમાં અન્ય દેશોના લોકો ભારતનો મજાક ઉડાવતા હતા, તે જ દેશો આજે ભારતને વિશ્વ ગુરુની નજરે જોઈ રહ્યા છે. ભારતના દેશી ટેલેન્ટની સામે દુનિયાના આ તમામ દેશો નત મસ્તક બન્યા છે.
દુનિયામાં ક્યાંય કોરોનાની રસી કે દવા હજુ શોધાઈ નથી. ત્યારે ભારતમાં કોરોનાને હરાવવા અનેક ઇનોવેટિવ ચીજ વસ્તુઓ ઉપર સંશોધન હાથ ધરાયું છે. અને કેટલીક ઇનોવેટિવ ચીજ વસ્તુઓ બનાવી દેવામાં પણ આવી છે. ભારતમાં કોરોના સામેની લડાઈમાં low cost પોર્ટેબલ વેન્ટિલેટર દેશી આઈડીયાના આધારે બનાવાયા છે. ડ્રોન દ્વારા એક આખા વિસ્તારને સેનેટાઇઝ કરી શકાય છે. ડ્રોન દ્વારા આખા વિસ્તારને મોનીટરીંગ કરી શકાય છે. દવાઓ અને ભોજન માટે રોબોટનો ઉપયોગ થઈ રહ્યો છે. દૂરથી જ દર્દીને તપાસી શકાય તે માટે ખાસ પ્રકારના બ્લુટુથ સ્ટેથોસ્કોપ તૈયાર કરવામાં આવ્યાં છે.
મોબાઈલ એપનો ઉપયોગ
ઘરનો સામાન, ચલણી નોટને સુરક્ષિત રાખવા પોર્ટેબલ સેને ટાઇઝ ડિવાઇસ, હોસ્પિટલમાં ડોક્ટરો માટે ડિસઇન્ફેક્શન પોશાક, low cost કોરોના વાઈરસ કીટ, isolation પોર્ટ, bubble હેલ્મેટ આ બધું જ એક કોરોના મહામારીને કારણે દેશી ટેલેન્ટના જોરે આવિષ્કાર પામ્યું છે. એ ઉપરાંત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા કેટલાક એવા ડિવાઇસ પણ તૈયાર કરવામાં આવ્યા છે જેના આધારે મોબાઇલમાં સેવા સેતુ એપ જેવી એપ તૈયાર કરવામાં આવી છે. દર્દીએ કોરોન્ટાઇન તોડ્યું છે કે નહીં તેની જાણકારી આવી એપ દ્વારા મેળવી શકાય છે. તેમજ ગો કોરોના ગો અને સંપર્કો મીટર એપ જેવી એપ પણ તૈયાર કરવામાં આવી છે.
ડ્રોનની મદદ
આઈઆઈટીમાં જ કોરોના વાઈરસની વેકસીન તૈયાર કરવામાં આવી રહી છે. તે માટે સતત રિસર્ચ ચાલી રહ્યું છે. એક આખા વિસ્તારને ડિસઇન્ફેક્શન કરી શકાય તે માટેના ખાસ ડ્રોન તૈયાર કરાયા છે. શરીરનું તાપમાન ચેક કરવા માટે પણ ખાસ ડ્રોન તૈયાર કરાયા છે. લાઉડ સ્પીકર માટે ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે. ચહેરાની સુરક્ષા માટે સુરક્ષા કવચ બનાવાયું છે. કોરોના ટેસ્ટ કીટ સાથે જ ઇન્ફેક્શન પ્રુફ ફેબ્રિક તૈયાર કરાયું છે. જેનો ઉપયોગ કેટલીક હોસ્પિટલોમાં શરૂ થઈ ગયો છે.
30 મિનિટમાં આઇસોલેશન વોર્ડ કે રાશન કે કરન્સી નોટને ખાસ ડિવાઇસ દ્વારા ડિસ ઇન્ફેકશન કરી શકાય છે. ફોનબુથ જેવા ખાસ સેનેટાઇઝેશન બુથ કરવામાં આવ્યા છે. જેનાથી કોરોના ઇન્ફેકશન સામે સુરક્ષિત બચી શકાય છે. GIS એટલે કે જિયોગ્રાફિક ઈન્ફોર્મેશન સીસ્ટમનો ઉપયોગ જે અત્યાર સુધી જે તે વિસ્તારના હવામાન સહિતની પરિસ્થિતિને જાણવા માટે થતો હતો તેમાં એક ઇનોવેટિવ આઇડિયા દ્વારા હવે આનો ઉપયોગ વિવિધ વિસ્તારમાં લોકોની ગીચતા અને દર્દીઓની સંખ્યા જાણવામાં થઈ રહ્યો છે.
આ ઉપરાંત સરકારે "સીંગલ સોલ્યુશન કંપની"ને કોરોનાની રસી શોધવા માટે ખાસ મંજૂરી આપતા આ કંપનીની લેબમાં હાલ રસી અંગે સંશોધન ચાલી રહ્યું છે. આવા અનેક આવિષ્કારો હાલ ભારતમાં થયા છે અને થઈ રહ્યા છે. એક સમયે ભારતના નમસ્તે કરવાના અભિવાદનને વિશ્વના દેશો મજાક સમજતા હતા. આજે એ જ દેશો નમસ્તેથી જ એકબીજા સાથે અભિવાદન કરીને કોરોનાના ચેપ સામે સુરક્ષિત બની રહ્યા છે. જ્યારે કોરોના સામેના જંગમાં ભારત સંકટમોચન બની દેશી ટેલેન્ટ પર અનેક આવિષ્કારો તૈયાર કરી દુનિયાને અચરજમાં મુકી રહ્યું છે.