વલસાડ : કપરાડા તાલુકામાં ઊંડાણવાળા ગામોમાં જ્યાં નદી ઉપર ચેકડેમ અને બ્રિજ બનાવવામાં આવે છે, જે લોકોની સુવિધા અને નદી ઉપરથી આવાગમન કરવા માટે હોય છે. પરંતુ અહીં કોન્ટ્રાકટર દ્વારા કામગીરીમાં વેઠ ઉતારવામાં આવે છે, એ ત્યારે બહાર આવે છે જ્યારે ચોમાસુ શરૂ થાય છે. મહત્વનું છે કે, ઊંડાણવાળા ગામોમાં બ્રિજ હોય રોડ હોય કે, ચેક ડેમ હોય આવા તમામ કામો તૈયાર થઈ જતા અહીં કોઈ ઇન્સ્પેકશન કરવા કે, ક્વોલિટી કંટ્રોલ માટે પણ કોઈ આવતું નથી. માત્ર કચેરી ઉપર બેસીને જ ક્વોલિટી ચેક કરાતી હોવાની માહિતી સ્થાનિકોમાં ચર્ચાનો વિષય છે. ત્યારે કપરાડા તાલુકાના અસલકાટી અને તેરી ચીખલી ગામ વચ્ચેથી વહેતી દમણગંગા નદી ઉપર બનાવવામાં આવેલ ચેકડેમ અને બ્રિજ દર ચોમાસે બંને તરફથી ધોવાઈ જાય છે.
જેને કારણે આ માર્ગનો ઉપયોગ કરતા અનેક વાહન ચાલકો રાહદારીઓની સ્થિતિ દયનીય બની જતી હોય છે. આ વર્ષે પણ બ્રિજનો એક તરફનો ભાગ વરસાદ થતાંની સાથે જ ધોવાઇ ગયો હતો. ત્યારે લોકોએ સ્વંય પથ્થરો નાખીને સુધારવા માટેનો પ્રયાસ કર્યો હતો. તેમજ બ્રિજની બંને તરફ એટલી હદે કાદવ કિચડ છે કે, પસાર થતા વાહન ચાલકોનું શિરદર્દ વધી ગયું છે. આ બ્રિજનો ઉપયોગ તેરીચીખલી, રોહિયાળ જંગલ, મોટી પલસણ, સુલીયા,માલુંગી,ગાઢવી, ભાઠેરી,ટુકવાડા, જેવા અનેક ગામોના લોકો કરે છે.
નોંધનીય છે કે, ચોમાસા દરમ્યાન આ લો લેવલ ચેકડેમ કમ બ્રિજ ઉપરથી નદીનું પાણી વહે છે. જેના કારણે 20 થી વધુ ગામોના લોકોને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવે છે. એકતરફનો બ્રિજના છેડે ધોવાણ થતાં અહીં સ્થાનિકોએ સ્વંય પથ્થરો નાખીને બ્રિજ દુરસ્ત કર્યો. પરંતુ તંત્ર દ્વારા અહીં સમારકામ કરી કાયમી ધોરણે ઉકેલ લાવવામાં આવ્યો નથી. દર ચોમાસે બ્રિજ ધોવાઈ જાય છે, અને લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.