- વાપીના VIA ગ્રાઉન્ડ ખાતે દિવાળી સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન
- મોદી સરકારની 440 યોજનાઓનો લાભ અપાવવા મદદરૂપ થવા કાર્યકરોને આહવાન
- સભાઓને બદલે વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ કરવાની જાહેરાત
વાપી: વાપીના VIA ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ (Gujarat Bjp president C R Patil) અને અન્ય ભાજપના નેતાઓએ દિવાળી નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા. સ્નેહ મિલન કાર્યક્રમ (vapi bjp get together) દરમ્યાન સી.આર પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કરી કાર્યકરોને લોકોપયોગી કાર્યો કરવા માર્ગદર્શન આપી લોન અપાવવા માટે બેન્ક ના પાડે તો લોકસભામાં અવાજ ઉઠાવવા પણ આહવાન કર્યું હતું.
નરેન્દ્ર મોદીને ભાજપની તાકાત ગણાવી
સી.આર પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની વાહવાહી કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2002થી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ અશ્વમેઘના અશ્વને રોકવાની હવે કોઈનામાં તાકાત નથી. નરેન્દ્ર મોદી આપણી તાકાત છે અને તેમણે બાંધેલું કામનું ભાથું દરેક કાર્યકરને બળ પૂરું પાડે છે. સી.આર પાટીલે વધુમાં નરેન્દ્ર મોદીને શ્રીકૃષ્ણ સાથે સરખાવી જેમ કૃષ્ણએ ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉંચકયો હતો એવી રીતે નરેન્દ્ર મોદીએ આ દેશને ટચલી આંગળીએ ઉંચકી રાખ્યો છે અને કાર્યકરોએ તેને ટેકો આપ્યો હોવાની રમૂજ કરી કરી હતી.
પાલિકા ચૂંટણીમાં ઉમેદવારોને પેનલ રચી પ્રચાર કરવા આદેશ
પાટીલે ફરી એકવાર તેમના પેજ કમિટીના ચમત્કારની વાત કરી આ પેજ કમિટીથી જ કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી અને ડાંગના ધારાસભ્ય જંગી લીડથી વિજય બન્યા હોવાનું જણાવી વાપી નગરપાલિકામાં હાલની ચૂંટણીમાં દરેક પેનલના ઉમેદવાર એક સાથે જઈને પ્રચાર કરે તેવો આદેશ કર્યો હતો.
અધિકારીઓ બાદ હવે બેન્ક મેનેજર પર વરસ્યા પાટીલ
પાટીલે કાર્યકરોને એવું પણ જણાવ્યું હતું કે, દેશમાં મોદી સરકાર દ્વારા 440 જેટલી યોજનાઓ લાગુ કરી છે. જે યોજનાઓનો લાભ લારી ગલ્લા વાળાઓને મળે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા યુવાનોને મળે તે માટે પ્રયાસ કરો ભાજપના કાર્યકરને કે વડાપ્રધાન મોદીની માત્ર સત્તા મેળવવામાં નહિ પંરતુ સત્તા પર રહી લોકોની સેવા કરવાનો ઉદ્દેશ્ય છે.
જાતપાતના દિવસો ગયા: પાટીલ
પાટીલે પોતાના સંબોધનમાં હવે ચૂંટણીમાં જાત-પાતના નામે ગ્રૂપ બનાવી દબાણ કરી ટીકીટ માંગવાનાં દિવસો ગયા છે. હવે વિકાસના નામ પર સરકાર બને છે તેવો કટાક્ષ કરી દરેક કાર્યકરે જે પણ કાર્યકરને ટીકીટ મળે તેને જીતાડવા પ્રયાસ કરે તેવી શીખ આપી હતી.
આ પણ વાંચો: જામનગર:ભાજપ સ્નેહ મિલનમાં સી.આર પાટીલે ચૂંટાયેલા પ્રતિનધિઓની ખોટી હવા કાઢી નાખવા કહ્યું
આ પણ વાંચો: ભાજપમાં વિખવાદ! પાટીલ રાજકોટના પ્રવાસે, પણ એકેય કાર્યક્રમમાં હાજર જોવા ન મળ્યા રૂપાણી