વિગતવાર મુજબ વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ચાર કલાકમાં વાપીમાં પાંચ ઇંચથી પણ વધુ વરસાદ વરસી જતા વાપી શહેર બેટમાં ફેરવાયું છે. મોટાભાગની સોસાયટીઓમાં ઘુટણ સમા પાણી ભરાયા છે. તો વાપીના ગોદાલ નગર સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે માર્ગ ઉપર અવર-જવર પણ ઘટી છે. ભારે વરસાદને કારણે નેશનલ હાઇવે નંબર 48 ઉપર વાહનોની અવર જવર ઘટી ગઈ છે.
વાપીમાં હાલ પડી રહેલા વરસાદને ધ્યાનમાં રાખી અને દમણગંગા નદીમાં મધુબન ડેમમાંથી આવેલ 2,30,000 ક્યુસેક પાણીના પ્રવાહમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તાલુકાના લવાછા, નામધા અને ચંડોળ ગામમાં તંત્રએ એલર્ટ જાહેર કર્યુ છે. નગરપાલિકા વિસ્તારના ડુંગરાના ઝરી ફળિયાના 15 પરિવારોના 60 જેટલા લોકોનું નજીકની કણબી વાડ પ્રાથમિક શાળામાં સ્થળાંતર કર્યું હતું. જોકે આ તમામ અસરગ્રસ્તો પોતાના સગા વ્હાલાને ત્યાં જતા રહ્યા હોવાનું નગરપાલિકાના ચીફ ઓફિસર દર્પણ ઓઝાએ જણાવ્યું હતું.
તો બીજી તરફ મધુબન ડેમમાં પાણીની સતત આવક વધી રહી છે. ત્યારે દમણગંગા નહેર વિભાગ પણ સતર્ક બની પાણીના પ્રવાહ ઉપર નજર રાખી રહ્યું હોવાનું વિભાગના મુખ્ય કાર્યપાલક ઇજનેર મુકેશ ચૌધરીએ જણાવ્યું હતું.
વાપી મામલતદાર એસ. ડી. પટેલના જણાવ્યા મુજબ હાલ તાલુકાના ત્રણ ગામોના લોકોને એલર્ટ રહેવાની સૂચના આપી છે. મામલતદારના જણાવ્યા મુજબ મધુબન ડેમમાંથી જે સવા બે લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તે પાણી દમણના દરિયામાં જતું હોય 3 વાગ્યા આસપાસ દમણના દરિયામાં પણ મોટી ભરતી આવવાની જાણકારી મળી છે. જે દરમ્યાન મોટી ભરતીમાં દરિયો નદીના આ ધસમસતા પાણીના પ્રવાહને સમાવવાને બદલે જો પરત ઠેલશે તો મોટી નુકશાની થઇ શકે છે. તેવું ધ્યાને લઇ હાલ નદી કાંઠાના વિસ્તારોના રહીશોને ચેતવણી આપી સાવધાન રહેવા જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, વાપી અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે હાલ તંત્ર પણ સજ્જ બન્યું છે. અને વિવિધ વિસ્તારોમાં માઇક દ્વારા એનાઉન્સ કરી લોકોને સાવચેત રહેવા અપીલ કરી રહ્યું છે. તો વાપી રેલ્વે સ્ટેશન પર પણ મુંબઈ તરફ જતી અને આવતી ટ્રેનો મોડી ચાલી રહી હોય તેથી વાપી રેલવે સ્ટેશને મોટી સંખ્યામાં પ્રવાસીઓ અટવાયા છે. જેઓ માટે લાયન્સ પરિવાર દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.