રાજ્યભરમાં ડેન્ગ્યુએ માથું ઉચક્યું છે. જેમાં વલસાડ પણ બાકાત રહ્યું નથી. મળતી માહિતી પ્રમાણે, વલસાડ તાલુકામાં 116 શહેર ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યાં છે. જેથી આરોગ્ય ઉંઘમાંથી ઉઠવા મજબૂર થયું છે.
જિલ્લાના શહેર નગરમાં ડેન્ગ્યુના 26, પારડીમાં 20, શહીદ ચોક વિસ્તારમાં 16, ભડેલી દેસાઈ પાટી 15, ચણવાઈમાં 6, કાજણ રણછોડમાં 8, ગુંદલાવમાં 12, નાનકવાડામાં 12 કેસ નોંધાયા છે. આ ઉપરાંત, પારડી તાલુકામાં 9, વાપીમાં 8, ઉમરગામમાં 7, કપરાડામાં 1 અને ધરમપુરમાં 2 કેસ નોંધાયા છે.
શહેરી વિસ્તારમાં 72 અને ગ્રામીણ વિસ્તારમાં 78 કેસ મળી કુલ 150 ડેન્ગ્યુના પોઝિટીવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લો આખો ડેન્ગ્યુની કહેરમાં સપડાઈ રહ્યું છે ત્યારે જિલ્લા આરોગ્ય તંત્રએ આરોગ્યલક્ષી કાર્યો હાથ ધર્યા છે.
જિલ્લા આરોગ્ય આધિકારી અનિલ પટેલના જણાવ્યા અનુસાર, "હાલ, વલસાડ તાલુકાના ગામોમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થઇ રહ્યો છે. સાથે જ એક બે દિવસમાં વાપીમાં પણ કેસમાં વધારો થયો છે. જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની 328 ટીમ ડોર ટુ ડોર સર્વે કરી રહી છે."
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુના 58 કેસ નોંધાયા હતા. જેની સરખામણીમાં ચાલુ વર્ષે 676 સસ્પેકટેડ ડેન્ગ્યુની તાપસ બાદ 150 કેસ સામે આવ્યા છે. જેથી આરોગ્ય તંત્ર દોડતું થયું છે.