- ભીખ માંગવા આવેલી મહિલાને બાળક ચોર સમજી લોકોએ માર્યો માર
- પોલીસને જાણકારી મળતા પોલીસે મહીલાને છોડાવી સારવાર માટે ખસેડી
- ભોગ બનેલી મહિલાએ પારડી પોલીસમાં ફરીયાદ નોંધાવી
વલસાડ : પારડી તાલુકાના પરિયા ગામે નવરાત્રી નિમિતે ભીખ માંગવા આવેલી એક મહિલા કંચનબેન જોગીને માંહ્યવંશી ફળીયામાં બે ત્રણ ઘરે ભીખ માંગ્યા બાદ કેટલીક મહિલાઓ ભેગી થઈ જતા અંદારો અંદર વાત કરતી હતી કે, મહિલાઓ બાળકો ચોરવા માટે આવે છે જે બાદ એકત્ર થઈ ગયેલા કેટલાક લોકોએ આ મહિલાને ઢીક્કા, પાટુ અને ગડદાનો માર માર્યો હતો જેમાં મહિલાને કમરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.
મહિલાઓ સહિત પુરુષોએ પણ નિર્દયતા પૂર્વક માર માર્યો
ભીખ માંગવા આવેલ મહિલા જે મૂળ નવસારીના કબીલપોર વિસ્તારમાં રહે છે, તે કંચનબેન હરીશભાઈ જોગી તેના પુત્ર સાથે બાઈક ઉપર આવી હતી. પરિયા ગામે કેટલાક ફળીયામાં તેને ભીખ મળી હતી. પરંતુ માંહ્યવશી ફળીયામાં એકત્ર થયેલા લોકોએ અફવાનો શિકાર બની મહિલા સહિત કેટલાક પુરુષોએ પણ ભીખ માટે આવેલી મહિલાને ઢોર માર માર્યો હતો.
મહિલા સાથે આવેલો પુત્ર નાસી જતા શંકા વધુ પ્રબળ બની
અચાનક એકત્ર થઈ ગયેલા લોકોએ ભીખ માંગવા આવેલી કંચનબેનને ઘેરો કરી લેતા અને માર મારવાનું શરૂ કરી દેતા તેની સાથે બાઈક લઇને આવેલો તેનો પુત્ર પરિસ્થિતિ જોઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેને કારણે લોકોની શંકા વધુ પ્રબળ બની હતી. ત્યાર પછી કેટલાક લોકોએ પોલીસને જાણકારી આપતા પોલીસ સ્થળ ઉપર પહોચી હતી.
મહિલાને સારવાર માટે પારડી લઇ જવામાં આવી
અચાનક બનેલી ઘટનાને પગલે લોકોએ મહિલાને બાળક ચોરવા આવી હોવાનું સમજી માર માર્યો અને પકડી હોવાનું જણાવી પોલીસને જાણ કરતા પારડી પોલીસની પી.સી.આર વાન સ્થળ ઉપર પહોચી હતી. અને મહિલાને લોકોની ભીડ વચ્ચે થી છોડાવી સારવાર માટે પારડી લઇ જવામાં આવી હતી.
મહિલાને માર મારતાનો વિડીયો સોશીયલ મીડિયામાં થયો વાયરલ
પરિયા ગામે માંહ્યવંશી ફળીયામાં બનેલી ઘટનામાં કંચનબેન જોગીને બાળકો ચોરી જતી મહિલા સમજીને સ્થાનિકોએ ઢોર માર માર્યો હતો. જેનો વિડીયો કેટલાક ઉત્સાહિત યુવકોએ બનાવી સોસીયલ મીડીયામાં વાયરલ કરી દીધો હતો. જેમાં મહિલાને લોકો નિર્દયતા પૂર્વક માર મારતા સ્પષ્ટ પણે જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : LAC પર ફરી એક વાર ચીનની અવળચંડાઈ, અરૂણાચલ પ્રદેશમાં ભારત-ચીનના સૈનિકો આવ્યા સામસામે
આ પણ વાંચો : ઓક્ટોબરના 8 દિવસમાં 5 વખત Petrol-Dieselની કિંમત વધી, અમદાવાદમાં પેટ્રોલ 100ને પાર