- AAP દ્વારા કલેકટર કચેરી ખાતે ધરણાં પ્રદર્શન
- મહિલા સુરક્ષા બાબતે AAP દ્વારા ધરણાં
- સીટી પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત
વલસાડ: જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજે મહિલા સુરક્ષા બાબતે વલસાડ જિલ્લા કલેકટર કચેરી ખાતે ધરણાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકરો કલેક્ટર કચેરી પહોંચી ધરણા પ્રદર્શન શરૂ કરે તે પહેલાં જ વલસાડ જિલ્લા સીટી પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. જેને લઇને મામલો ગરમાયો હતો.
પોલીસ તંત્ર પણ આપે છે સહકાર : આમ આદમી પાર્ટી
દેશભરમાં મહિલાઓની છેડતી અને દુષ્કર્મ જેવી ઘણી પ્રકારની હિંસાઓના બનાવો વારંવાર બનતા જોવા મળી રહ્યા છે. દુ:ખની બાબત એ છે કે, ઘણીવાર સુરક્ષા માટે તૈનાત પોલીસ તંત્ર પણ આવા બનાવોમાં પોતાનો સાથ સહકાર આપતું હોય અને આરોપીઓનો બચાવ કરતું હોય તેવું જોવા મળે છે. રાજ્ય સરકાર પણ મહિલાઓ વિરુદ્ધ બનતા બનાવોમાં રક્ષણ પૂરું પાડવા માટે કોઈ રસ દાખવતી નથી.
સીટી પીઆઇ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત
જે બાબતની ગંભીર નોંધ લેતા આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્યમાં રાજ્યભરના તમામ જિલ્લાઓ મથકોમાં દેખાવો યોજાશે. તે અંતર્ગત વલસાડ જિલ્લામાં ગુજરાત પ્રદેશ સંગઠન પ્રધાન શ્મનોજ સોરઠીયાની ઉપસ્થિતિમાં અને જિલ્લા પ્રભારી જીતુ દેસાઈની અઘ્યક્ષતામાં ધરણાં પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. પરંતુ ધરણાં પ્રદર્શન પહેલા જ વલસાડ સીટી પીઆઇ એચ.જે.ભટ્ટ દ્વારા તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી તમામને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લઈ જવાયા હતા.