વર્ષની સૌથી મોટી બીજને લઈને ગુરૂવારના રોજ દરિયામાં મોટી ભરતી જોવા મળી હતી. આ ભરતીને લઈને દરિયા કિનારાના અનેક વિસ્તારોમાં દરિયો તોફાની બન્યો હતો. તો સાથે સાથે મોજામાં કરંટ જોવા મળ્યો હતો. વલસાડ શહેરમાં આવેલા તિથલ દરિયા કિનારે ગુરૂવારના રોજ દરિયો તોફાની બનતા 10 ફૂટથી પણ ઉંચા મોજા ઉછળ્યા હતા. જેને જોવા માટે પર્યટકો મોટી સંખ્યામાં બીચ કિનારે ઉમટી પડ્યા હતા. કેટલાક લોકો બીચના કિનારે બેઠા હોવા છતાં પણ દરિયાના મોજા ઉછળીને સીધા પાણી બહાર ફેંકી રહ્યા હતા. જેમાં ભીંજાઈને લોકોએ આનંદ માણ્યો હતો. જો કે તંત્ર દ્વારા લોકોને કિનારા વિસ્તારમાં ભરતીના સમયે ઊભા ન રહેવા માટેના તાકિદ કરવામાં આવી હતી. તેમ છતાં સહેલાણીઓ મોટી સંખ્યામાં ભરતીના મોજાનો આનંદ લેવા માટે દરિયા કિનારે ઉમટી પડ્યા હતા.
વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલા કેટલાક ગામોમાં બનાવવામાં આવેલી પ્રોટેકશન વોલ હોવા છતાં પણ મોટી ભરતી એટલે કે અષાઢી બીજની ભરતીના દિવસે દરિયાના પાણી કેટલાક વિસ્તારમાં ફરી વળે છે. તો અષાઢી બીજ હોવાના કારણે કાંઠા વિસ્તારમાં ગામોના લોકો પણ સતર્ક રહેવાની તાકીદ કરવામાં આવી છે. ત્યાં સુધી દરિયાકિનારાના કાંઠા વિસ્તારના ગામોમાં કોઈ પણ ઘટનાના સમાચાર મળ્યા નથી. તેમ છતાં દરિયો તોફાની બન્યો છે. જેથી દરિયાના મોજાઓમાં કરંટ જોવા મળ્યો હતો.