- કોરોનોમાં રામનવમીની ઉજવણી પર છે પાબંધી
- મર્યાદા પુરુષોત્તમ રામ પાસેથી શીખવા જેવા જીવનના આદર્શ મૂલ્યો
- રામ કથાકાર ધરમ જોશીએ કરી રામના જીવનમાંથી લેનારી મુખ્ય પાંચ બાબતોની વાત
વલસાડઃ એક કુશળ યોદ્ધા, કુશળ રાજનેતા, આદર્શ ભાઈ, આદર્શ મિત્ર અને આદર્શ પતિમાં કેવા ગુણ હોવા જોઈએ તેનો સંપૂર્ણ સાર રામાયણમાં છે. રામ એ સત્ય, પ્રેમ કરુણા માટે જાણીતા મર્યાદા પુરુષોત્તમ હતાં. ત્યારે આજે બુધવારે રામ નવમી નિમિતે વાપીના જાણીતા રામ કથાકાર ધરમ જોશીએ રામના જીવનમાંથી લેનારી મુખ્ય પાંચ બાબતોની વાત કહી હતી. રામકથાકાર ધરમ જોશીએ રામના વ્યક્તિત્વ અંગે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, રામ એટલે વિશ્વનું કલ્યાણ કરનારા મર્યાદા પુરુષોત્તમ છે. ચૈત્ર માસ ત્રેતાયુગમાં ભગવાન રામનો જન્મ થયો હતો. રામના પ્રાગટ્ય દિવસથી ચૈત્ર સુદ નવમી રામ જન્મોત્સવ તરીકે ઉજવાતી આવી છે. રામ એ સમગ્ર વિશ્વના રામ છે અયોધ્યામાં જન્મેલા અને લંકા સુધીની યાત્રા કરી ઋષિ મુનીઓને ભય મુક્ત કર્યા હતા.
જીવનના આદર્શ મૂલ્યો રામ પાસેથી શીખવા મળે છે
ભગવાન રામે અનેક રાક્ષસોનો સંહાર કર્યો હતો. રામની બાળવાયથી લઈને યુવાવસ્થા સુધી રામ પાસેથી શીખવા જેવી અનેક બાબતો છે. જેમાં સૌપ્રથમ વાત કરીએ તો રામ એક પરાક્રમી યોદ્ધા હતા. જીવનના તમામ આદર્શ મૂલ્યો રામ પાસેથી શીખવા મળે છે. એક આદર્શ પુરુષ હતા, આદર્શ પતિ હતા, આદર્શભાઈ હતા, આદર્શ મિત્ર હતા અને કુશળ રાજા હતાં.
આ પણ વાંચોઃ રામ નવમીના પવિત્ર તહેવાર નિમિત્તે રાવણ પણ કરે છે રામની પુજા
આ પાંચ બાબતો રામ પાસેથી શીખો
સૌપ્રથમ જોવા જઈએ તો એક રાજામાં પ્રજાના કલ્યાણ માટે કેવી ભાવના હોવી જોઈએ તે રામ પાસેથી શીખવા મળે છે. પ્રજાના કલ્યાણ માટે પોતાના કુટુંબને પણ ત્યજી દેવાની ક્ષમતા હોવી જોઈએ આ શીખ આપણને ભગવાન રામ પાસેથી મળે છે. ભાઈ માટે બધું જ ન્યોછાવર કરી દેવુ એને ક્યારેય કોઈ દુઃખ નહિ આપવું એવી ભાવના પણ રામ પાસેથી મળે છે. ભગવાન શ્રીરામ એક આદર્શ મિત્ર પણ હતા મિત્રોને માટે બનતા તમામ પ્રયાસો કરીને મદદરૂપ કેવી રીતે થવું તેની શીખ ભગવાન રામ પાસેથી મળે છે. તો પત્ની માત્ર આદર્શ પુરુષનું ચરિત્ર કેવું હોવી જોઈએ તે પણ શ્રીરામ પાસેથી શીખવા મળ્યું છે.
કોરોના મહામારીમાં ઘરે રહી રામસ્મરણ કરો
પત્ની સીતા માટે રામે રાવણનો સંહાર કર્યો હતો. પ્રજાની સુખાકારી કુટુંબની સુખાકારી માટે કેવું ધૈર્ય હોવું જોઈએ કેવું દ્રઢ મનોબળ હોવું જોઈએ. તેની સાચી પ્રેરણા ભગવાન રામ પાસેથી મળે છે. હાલમાં કોરોના મહામારીને કારણે રામ નવમીની ભવ્ય ઉજવણી પર ભલે પ્રતિબંધ હોય પરંતુ ઘરે બેસીને જો રામ સ્મરણ કરવામાં આવે તો પણ પોતાનું કલ્યાણ થાય છે.
મર્યાદા પુરુષોત્તમ હતા ભગવાન શ્રીરામ
ઉલ્લેખનીય છે કે, હાલના કોરોના મહામારીમાં રામના જીવનમૂલ્યોની આ બાબતો ખરેખર ખૂબ જ ઉપયોગી છે. પરિવાર માટે રાષ્ટ્ર માટે આ મહામારીમાં દ્રઢ મનોબળ જરૂરી છે. એક બીજાને મદદરૂપ થઈ મહામારીમાંથી ઉગારવા આગળ આવવું જોઈએ. પરિવારના કલ્યાણ માટે માતૃપ્રેમ, રાષ્ટ્રની અખંડતા માટે ગુરુપ્રેમ આ તમામ ગુણ ભગવાન રામમાં હતા. એટલે જ તેને મર્યાદા પુરુષોત્તમ કહેવાયા છે.