વલસાડ: વલસાડ જિલ્લામાં 24 કલાક દરમ્યાન કપરાડામાં 5 ઇંચ અને ધરમપુરમાં 4 ઇંચ વરસાદ થતાં અનેક સ્થળે ભારે નુકસાન સર્જાયું હતું. શુક્રવારે મોડી રાત્રે 11 વાગ્યાની આસપાસના સમયે ઝડપી પવન સાથે પડેલા વરસાદમાં કાંજણ રણછોડ ગામે આવેલા નાકીવાડમાં 15 ઘરોના પતરા ઉડી જતાં ભારે નુકશાન થયું છે. બારસોલ ગામે તબેલાના 80થી વધુ પતરાનો સેડ ઉડી 20થી 30 મીટર દુર પડ્યો હતો. હજુ ચાર દિવસ માટે હવામાન વિભાગે વલસાડમાં યલો એલર્ટ આપ્યું છે.
ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા: ગામના સરપંચ સુનિલભાઈના જણાવ્યા અનુસાર મોડી રાત્રે પડેલા વરસાદને કારણે તેમજ ચક્રવાતી પવન ફુંકાતા નાકીવાડ વિસ્તારમાં આવેલા 15થી 18 જેટલા ઘરોના પતરાના શેર તેમજ પતરા ઉડીને નીચે પડતા અનેક ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. તમામ ઘરો મળી અંદાજિત ત્રીસ લાખથી વધુનું નુકસાન આંકવામાં આવી રહ્યું છે.
લાખોનું નુકસાન: આ ઘટના અંગેની જાણકારી તાલુકા વિકાસ અધિકારીને થતા તેઓ પણ ઘટનાસ્થળે નિરીક્ષણ માટે દોડી આવ્યા હતા. સાથે સાથે ધરમપુર બારસોલ ગામે કિશોરભાઈ પટેલ દ્વારા બનાવેલ ભેંસના તબેલાનો 40 પતરાંનો લોખંડના એન્ગલવાળો શેડ ઉડી જતા સમગ્ર તબેલાની છત ઉડી ગઈ હતી. બારસોલ ગામે તબેલા માલિકને લાખો રૂપિયાનું નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો.
સરકાર તરફથી સહાયની માંગ: ચક્રવાતી પવનને કારણે થયેલ નુકસાન સામાન્ય વર્ગના લોકોને થયું છે. જેમાં મોટા ભાગના ભોગ બનનાર લોકો મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવનાર તેમજ સામાન્ય વર્ગના ખેડૂતનો સમાવેશ થાય છે. જેઓ સામાન્ય રીતે આખા વર્ષના ડાંગરનો જથ્થો પોતાના ઘરમાં બનાવેલી કોઠીમાં કરતા હોય છે. એવામાં વરસાદી પાણી અંદર પડતા તેમના અનાજના જથ્થાને પણ નુકશાન થયું છે. હાલ તો ગામના સરપંચે તમામ ભોગ બનેલા લોકોનું એક લિસ્ટ બનાવી તાલુકા કચેરીએ મોકલ્યું છે, જેથી લોકોને સરકાર તરફથી જરૂરી સહાય મળી શકે.