વલસાડ: જિલ્લામાં આરોગ્ય વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી વિશ્વા એન્ટરપ્રાઈઝ નામની કંપની દ્વારા એમ્બ્યુલન્સ ચાલક, નર્સ જેવા અનેક પદ ઉપર આઉટસોર્સથી 900થી વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. જેમાં કોરોના કાળ દરમિયાન પણ અનેક કર્મચારીઓએ પોતાની ફરજ બજાવી હતી
છેલ્લા બે માસથી આઉટસોર્સમાં કામ કરતા આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયતના કર્મચારીને પગાર નહીં મળતા આજે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની કચેરી પર પહોંચી અધિકારીને રજુઆત કરી હતી.
જોકે વહીવટી અધિકારીએ સમગ્ર બાબતને ગંભીરતા પૂર્વક લેતા વિશ્વા એન્ટર પ્રાઈઝના સુપરવાઇઝરને બોલાવી સમગ્ર હકીકત અંગે બને પક્ષે સામસામે ચર્ચા કરી હતી. જેમાં કંપની દ્વારા 18000 વ્યક્તિ દીઠ જિલ્લા પંચાયતમાંથી વેતન લઈને કર્મચારીને માત્ર 8000 રૂપિયા ચૂકવવામાં આવતા હોવાની ફરિયાદ કર્મચારીએ કરી હતી.
બીજી તરફ કંપની સુપર વાઇઝરે જણાવ્યું કે, તેઓ મિનિમમ વેજીસ મુજબ જ સરકારના ધારાધોરણ મુજબ પગાર ચૂકવવવામાં આવતું હોવાનું કહી રહ્યા હતા. તેમજ બે માસથી તેમનો કોન્ટ્રાકટ લંબાયો છે કે નહીં તે પણ હજુ સુધી તેમને ખબર ન હોવાનું જણાવ્યું હતું. તેમજ વર્કરોને પગાર ચૂકવવા માટેની ખાતરી તેમણે આપી હતી.
વલસાડ જિલ્લામાં આઉટસોર્સમાં 900 કરતા વધુ કર્મચારીઓ 6 તાલુકામાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં ફરજ બજાવે છે. અચાનક બે માસનો પગાર નહીં મળતા તેઓએ આજે રજુઆત કરી હતી. કોરોના જેવા કપરા સમયમાં જેમણે પોતાની ફરજ સમજીને કામગીરી બજાવી છતાં બે માસથી પગારની ચુકવણી કરવામાં આવી નથી.