કાળઝાળ ગરમી એટલે આઈસ્ક્રીમ-કુલ્ફીનો ધંધો કરતાં યુપીના સંતોષ કુમાર માટે કમાણીની સીઝન. તાપ 40 ડીગ્રી હોય કે 44 ડીગ્રી, સંતોષ કુમાર ખુલ્લાં માથે ડામરના રસ્તા પર આઈસ્ક્રીમ-કુલ્ફીની હાથલારી ફેરવીને બીજાના પેટ ઠારે છે. પરિવારનું પેટ ઠારવા સંતોષ કુમાર ભરબપોરનો તાપ વેઠે છે. રોજના 6 કિલોમીટર જેટલો વિસ્તાર આ રીતે આઈસ્ક્રીમની હાથલારી ચલાવીને કાપે છે. સંતોષના જણાવ્યા મુજબ, ગરમી તો લાગે છે. પરંતુ, ઠંડી, ગરમી, વરસાદ કુદરતની દેન છે અને તે જીવન માટે જરૂરી છે. નસીબમાં જે લખેલું છે તેટલું આઈસ્ક્રીમના ધંધામાં મળી રહે છે.
સંતોષની જેમ અવધેશ યાદવ નામનો ભેળવાળો પણ બળબળતા તાપમાં પોતાનો અને પોતાના પરિવારના પેટનો ખાડો પુરવા માથે તપેલું લઇ ભેળ વેચે છે. અવધેશ યાદવ રોજ વાપીના રેલવે સ્ટેશન, ગુંજન વિસ્તાર ઉપરાંત આસપાસના બલિઠા, છરવાડા જેવા ગ્રામ્ય વિસ્તારમાં તાપમાં ફરે છે. અવધેશને બે બાળકો છે, તેમને શીતળતામાં રાખી તેઓ પોતે 40 ડિગ્રીનો તાપ સહન કરે છે.
કાળઝાળ ગરમીમાં લોકો બહાર નીકળવાનું ભલે ટાળતા હોય પરંતુ ઓટો રીક્ષાચાલકોને તેવું માનીને ઘેર બેસી રહેવું પાલવે તેમ નથી. બે પૈસાની આવક માટે મોટાભાગના ઓટો રીક્ષાચાલકો બપોરે પણ ફેરી કરવાનું ચૂકતાં નથી.
આવું જ કઈંક સંજય ગુપ્તા નામના ખમણ વાળા પણ કહી રહ્યા છે. ભરબપોરે ખમણ વેચી ગુજરાન ચલાવનાર સંજય ગુપ્તાને મન ગરમી તો છે, પણ ગરમીમાં ધંધો પણ છે. ગરમી લાગે છે, તો પણ બે પૈસા કમાવા તડકામાં રસ્તા પર ચાલવું પડે છે. ક્યારેક ખમણ તો ક્યારેક ભેળ વેચવા માટે અને પરિવારના ભરણપોષણ માટે રોજનું 10 થી 15 કિલોમીટર પગપાળા ફરીને ધંધો કરે છે. ઠંડી, ગરમી, કે વરસાદ હોય તેમના માટે પરિવાર મહત્વનો છે. એટલે તેઓ ખુલ્લા તડકામાં ફરીને પણ ધંધો કરે છે.
આવી જ હાલત છે પસ્તી ભંગારની ફેરી કરતાં ભંગારીયા દંપતીઓની. ગરમીની ચિંતા કરવા જાય તો તેઓ ખાય શું...? એટલે હાથલારી ખેંચીને ઘરે ઘરે પસ્તી ઉઘરાવે છે. તડકો લાગે તો સાથે રાખેલી પાણીની બોટલમાંથી થોડુંક પાણી પી પેટને ટાઢક આપતા રહે છે.
કાળઝાળ ગરમીમાં આ આઈસ્ક્રીમવાળા સંતોષ, ભેળવાળા અવધેશ અને ખમણવાળા સંજયની જેમ અન્ય કેટલાય એવા આમઆદમી આપણી આસપાસ છે. જેમાં કોઈ લુહારના નસીબે બારેમાસ આકરો તાપ સહન કરવાનું લખ્યું છે. ભલભલું લોઢું પીગળાવી દેતી ભઠ્ઠી સામે સૂરજદેવતાની 44 ડીગ્રીની ગરમીની તેમને મન કોઈ વિસાત નથી. સીંગ ચણા વેચનાર, ખુલ્લામાં કપડાં, વાસણ વેચનાર, શાકભાજી વેચનાર, પાણીના જગ કે બોટલ વેચનાર, ઠંડા પીણાં, છાસ, લસ્સી વેચનાર આ તમામ ધંધાર્થીઓ એવા આમઆદમી છે, જે સ્વજનોને શીતળતામાં રાખવા પોતે તાપ વેઠી રહ્યા છે. પરિવારનું ભરણપોષણ કરતાં આ આમઆદમીના સંઘર્ષને સો સો સલામ.