વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડને અડીને આવેલી દારોઠા ખાડીમાં સોમવારે કાળા કલરનું પ્રદૂષિત પાણી આવતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો. આ પ્રદુષિત પાણી અંગે ભિલાડના માજી સરપંચ અને હાલે જિલ્લા પંચાયતના સભ્યને જાણ કરતા સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસમાં દારોઠા નદીમાં કંપની દ્વારા છોડાયેલા પ્રદુષિત પાણી દુર્ગંધ યુક્ત અને કાળાશ પડતું નજરે ચડ્યું હતું. જે સંઘપ્રદેશની કોઈ કંપની વરસાદી પાણીનો લાભ લઇ દારોઠા નદીમાં છોડ્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી.
ભિલાડમાં પાણીના સ્ત્રોત રૂપે આજીવિકા ગણાતી દારોઠા નદીમાં આ રીતે પ્રદુષિત પાણી છોડાતા મામલાની ગંભીરતા જાણી સરીગામ સ્થિત GPCB કચેરીને જાણ કરવામાં આવી હતી. જે બાદ બે દિવસે GPCBના અધિકારીઓ દારોઠા નદીના કાંઠે આવ્યા હતા. અધિકારીઓએ પાણીના નમૂના એકત્ર કરી તપાસ અર્થે લીધા હતા.
જો કે, નદીમાં કંપની દ્વારા છોડાયેલા પ્રદુષિત પાણી કઈ કંપની દ્વારા છોડવામાં આવ્યું છે અને તે કેટલું પ્રદુષિત છે તેના માપદંડ નક્કી કરવા GPCBએ હાલ તમામ સેમ્પલને લેબમાં મોકલશે તેવું જણાવ્યું હતું. લેબમાંથી તેના રિપોર્ટ આવ્યા બાદ જે તે કંપની સામે કાયદાકીય પગલાં લેવા અંગે ચીમકી ઉચ્ચારી હતી.