- જિલ્લાના દરિયા કિનારાના 84 ગામોને હાઈ એલર્ટ કરાયા
- જરૂર પડ્યે 10000 લોકોનું સ્થળાંતર કરવા પણ વહીવટી તંત્ર સજ્જ
- 125 જેટલા શેલટર હોમ બનાવવામાં આવ્યા
વલસાડ: 40 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવતા વલસાડ જિલ્લામાં કાંઠા વિસ્તારના ગામો જેમાં સૌથી વધુ 3 તાલુકા ઉમરગામ, વલસાડ અને પારડીને વાવાઝોડાની અસર થાય એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને પગલે કાંઠા વિસ્તારના 1થી 10 કિલોમીટર સુધીના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ વલસાડ જિલ્લામાં તલાટીથી લઈને કલેક્ટર, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, પંચાયત વિભાગ તેમજ રેવન્યુ વિભાગ પણ આ એક્શન પ્લાનમાં પોતાની અહમ ભૂમિકા નિભાવવા માટે સજ્જ બન્યા છે.
આ પણ વાંચો: તૌકતેથી ચેતજો: વાવાઝોડા સામે આ રીતે લઇ શકાશે તકેદારી પગલાં
જિલ્લાના કાંઠા વિસ્તારના 84 ગામોને વાવાઝોડાની અસર થઈ શકે છે
વલસાડ જિલ્લાના 40 કિમીના લાંબા દરિયાકિનારા પરના 84 જેટલા ગામોને વાવાઝોડાની અસર થઇ શકે તેમ છે. આછી, આવા ગામોનું સર્વે કરવામાં આવ્યું છે અને આ તમામ ગામોમાં વિશેષ સ્વયંસેવકોની ટીમ ઊભી કરવામાં આવી છે. ત્યારે, જરૂર જણાય તો આવા ગામોના લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી શકે તેમ છે. આ ઉપરાંત, સ્થાનાંતરિત કરવામાં આવેલા લોકોને જે તે ગામના સેલટર હોમમાં રાખવાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. આથી, ત્યાં રહેનારા લોકોને ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
NDRFની ટીમ વલસાડ માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવી
વાવાઝોડાની આ કુદરતી આફતમાં વલસાડ જિલ્લામાં પવન ફૂંકાવા કે ભારે વરસાદ પડવાની સંભાવના વર્તાય રહી છે. જેને પગલે કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર દ્વારા વલસાડ જિલ્લામાં NDRFની એક ટીમને સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે. જો જરૂર જણાય તો આ ટીમ દ્વારા જે તે વિસ્તારમાં જઇને આપાતકાલીન સમયમાં પોતાની કામગીરી ચોક્કસપણે બજાવવા સજ્જ છે.
આ પણ વાંચો: ગુજરાત પર તોળાતા વાવાઝોડા 'તૌકતે'ના જોખમને અનુલક્ષીને તંત્ર સજ્જ, તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ
દરિયામાં ગયેલા તમામ માછીમારો પરત ફર્યા
વલસાડ જિલ્લામાં માછીમારી કરતી 1200થી વધુ બોટો પરત ફરી છે. આ બાદ, વાવાઝોડાની સંભાવના હોવા છતા 16 જેટલી બોટો દરિયામાં માછીમારી કરવા પહોંચી હતી. તેઓને પણ મરીન પોલીસનો સંપર્ક કરીને પરત બોલાવવામાં આવી છે. ત્યારે, આજે રવિવારે વહેલી સવારે 16 જેટલી બોટો કિનારે આવી પહોંચતા વલસાડની તમામ માછીમારોને બોટ કિનારે આવી પહોંચી છે. જેને લઇને માછીમારો અને તંત્રએ હાશકારો અનુભવ્યો છે.
હોસ્પિટલમાં પાવર સપ્લાય બાબતે વ્યવસ્થા કરવા સૂચન અપાયું
હાલ કોવિડની પરિસ્થિતિ ચાલી રહી હોય ત્યારે વલસાડ જિલ્લાની 42 ખાનગી હોસ્પિટલોમાં અનેક દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તો બીજી તરફ, વાવાઝોડાની આફતને પગલે જો પાવર કટ જેવી સમસ્યા સર્જાઇ તો દર્દીઓની મૂંઝવણમાં વધારો થઇ શકે .છે ત્યારે, આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 42 જેટલી ખાનગી હોસ્પિટલોનું સર્વે કરવામાં આવ્યું છે. આ તમામ હોસ્પિટલને જો અચાનક પાવર કટ સર્જાય તો તેવા સમયે પાવર કટનો ઉકેલ લાવવા પોતાનું જનરેટર મશીન અથવા સતત પાવર મળી રહે તે માટેની વ્યવસ્થા ઊભી કરવા માટે જાણ કરવામાં આવી છે.