ઉનાળાની કાળઝાળ ગરમીમાં કેટલાક એરકન્ડિશન્ડના સહારે આરામ કરવાનું પસંદ કરે છે. કેટલાક શહેરીજનો સ્વિમિંગ પૂલમાં સ્નાન કરવા જાય છે. કેટલાક ગામના લોકો ગામના તળાવ, નદી કે નહેરમાં ન્હાવા જાય છે પરંતુ રોજનું રોજ કમાઈને ખાનારા અને બાંધકામમાં મજૂરી કરી પેટિયું રળતા પરિવારોના બાળકો આ કાળઝાળ ગરમીમાં બાંધકામ સાઇટ પર ઢોળાયેલા કાદવ કીચડવાળા પાણીમાં સ્નાન કરીને ગરમીમાં રાહત મેળવતા હોય છે. આ બાળકોને મન આ કાદવ કિચડવાળું પાણી જ તેમની નદી, નહેર, તળાવ અને સ્વિમિંગ પૂલ છે.
આવું જ એક દ્રશ્ય ઉમરગામ સંજાણ હાઇ-વે પર એક કંપનીની બની રહેલ કમ્પાઉન્ડ વોલના બાંધકામ દરમિયાન કેમેરામાં કેદ થયુ હતુ. ઉમરગામ સંજાણ હાઇ-વે પર લેન્ડમાર્ક નજીક કમ્પાઉન્ડ વોલના બાંધકામ માટે ડ્રમમાં ભરેલું પાણી જમીન પર વેડફાયા બાદ કીચડમાં ફેરવાયું છે અને એ કીચડમાં ચાર થી પાંચ બાળકો સ્નાન કરી રહ્યાં છે. આ બાળકોને મન આ તેમનું તળાવ છે.