1972માં 5મી જૂને સ્ટોકહોમ ખાતે વિશ્વના 143 દેશોના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે એક જાહેરનામું પણ બહાર પાડ્યું. એના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તારીખ 5મી જૂનનો દિવસ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. એ બાદ 5મી જૂન 1974 ના પ્રથમ વખત વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવ્યો. 5મી જૂન 2019નો વિશ્વ પર્યાવરણ દિવસ એ રીતે 46મો વિશ્વ પર્યાવરણ દિવસ છે. લોકોમાં જાગૃતિ આવે, લોકો સુરક્ષા કાર્યમાં સહભાગી બને, તે હેતુથી પ્રતિ વર્ષ તારીખ 5મી જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.
તેમ છતાં આજે પણ ન તો આપણે પ્રત્યે જાગૃત બન્યા છીએ અને ન તો આપણે વધુ વૃક્ષો વાવીએ છીએ. પણ તેની સામે આપણે કોન્ક્રીટના જંગલ ઉભા કરી રહ્યા છીએ. આ જંગલને પ્રતાપે શહેરોમાં વૃક્ષોનો સફાયો થઈ રહ્યો છે. પંખીડાઓનો આવાસ છીનવાઈ રહ્યો છે. ઉનાળાની ધોમધખતી ગરમીમાં માનવીઓ તો પંખા નીચે કે AC - કુલરની ઠંડી હવામાં બે ઘડી આરામ મેળવે લે છે. જ્યારે કબૂતર જેવા પક્ષીઓ ઊંચી ઇમારતની કિનારે છાંયડો શોધી બે ઘડી બેસે છે. જેવો તે ભાગમાં તાપ વધે કે ફરી ઇમારતની બીજી બાજુ છાંયડામાં બેસી રહે છે.
5મી જૂન 2019 સુધીમાં આપણે 46 પર્યાવરણ દિવસ ઉજવી નાખ્યા છે. તેમ છતાં આપણે કુદરતની નજીક જવાને બદલે મનુષ્ય અને મનુષ્યેતર જાતિથી કુદરતને જ દૂર કરી રહ્યાં છીએ. વૃક્ષો પ્રત્યે જાગૃત થયા પણ પશુ-પંખીઓ બેસી શકે, આરામ કરી શકે, માળા બાંધી શકે તેવા વૃક્ષો વાવવાને બદલે આપણે આપણા બાગ-બગીચામાં શોભા વધારી શકે તેવા તુલસી, ગુલાબ, ગલગોટા, જેવા છોડ વાવીને પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ છીએ. આશા રાખીએ કે દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે તે સૂત્રના સંકલ્પમાં આ વખતે લીમડો, પીપળો, વડ, આંબા, આંબલી જેવા ઘટાદાર વૃક્ષો વાવવાના સંકલ્પ લેવાય. દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખાસ થીમ પસંદ કરવામાં આવે છે. આ વખતે 2019 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ માટે "Beat Air Pollution" થીમ પસંદ કરવામાં આવી છે.