વલસાડ જિલ્લામાં આયોજિત મોંઘાભાઇ હોલ ખાતે યોજાયેલા રક્તદાન શિબિરમાં વલસાડ જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા સુનિલ સુરેશભાઈ સૂર્યવંશી જેઓ છેલ્લા 4 વર્ષથી ટ્રાફિક બ્રિગેડમાં પોતાની ફરજ બજાવે છે. તેમની ભાવિ પત્ની ચેતનાબેન જયેશભાઈ નાયકા જે પણ ટ્રાફિક બ્રિગેડમાં છેલ્લા 1 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. આ બંને ભાવિ દંપતીએ પોતાની ફરજના ભાગરૂપે નહીં પરંતુ સ્વૈચ્છિક રીતે એકસાથે રક્તદાન કર્યું હતું.
આ અંગે સુનિલ સૂર્યવંશીએ જણાવ્યું કે, રક્તદાન એ મહાદાન છે. રક્તદાન કરવાથી અન્ય વ્યક્તિનો જીવ બચી શકે છે. જેથી અમે નક્કી કર્યું હતું કે, અમે બંને એકસાથે રક્તદાન કરીશું તો સાથે જ તેઓ પોતે ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવે છે. જેથી તેઓ એમ પણ કહ્યું કે ટ્રાફિકના નિયમો પણ લોકોની સુરક્ષા માટે જ બન્યા છે. લોકોએ દંડથી બચવા માટે નહીં પરંતુ પોતાની સુરક્ષા માટે ટ્રાફિકના નિયમોને ફોલો કરવા જોઈએ.
આ બંને ભાવિ દંપતીએ શિબિરમાં એકસાથે રક્તદાન કર્યું હતું. ચેતનાબેને જણાવ્યું કે, રક્તદાન એ જરૂરીયાત મંદને અકસ્માત સમયે એક સંજીવની સમાન બની રહે છે. જો તે સમયસર મળી જાય તો લોકોનો જીવ બચી શકે છે. તેથી તમામ લોકોએ અન્યનો જીવ બચી શકે એ માટે પણ રક્તદાન કરવું જોઈએ. તેમણે પણ એવા હેતુથી તેમના ભાવિ ભરથાર સાથે રક્તદાન કર્યું હતું. આ બંને ભાવિ દંપતીએ રક્તદાન કરતા ટ્રાફિક શાખાના PSI અને અન્ય અધિકારીઓએ પણ આ બંને કર્મચારીને કામગીરીને બિરદાવી હતી.
આમ ટ્રાફિક શાખામાં કામ કરતા આ બંને ભાવિ દંપતીએ પોતાની ફરજના ભાગરૂપે જ નહીં. પરંતુ સ્વૈચ્છિક રીતે પણ અન્યનું જીવ બચી શકે એવા હેતુથી રક્તદાન કરી અન્ય લોકોમાં પણ એક દાખલો બેસાડયો છે. મહત્વનું છે કે, આ બંને મૂળ અંતરિયાળ ગામના રહીશો છે. ગ્રામીણ કક્ષાએ લોકો રક્તદાન કરતા પૂર્વે ડરતા હોય છે. પરંતુ આ બંને દંપતીએ પ્રભુતામાં પગલાં પાડવા પૂર્વે સમાજમાં પોતાનું યોગદાન આપવા માટે એક મહત્વનું કાર્ય કર્યું છે. તેમની આ કામગીરીને તેમના સ્ટાફ અને કર્મચારીઓએ પણ બિરદાવી હતી.
વલસાડ : વલસાડ જિલ્લા પોલીસ દ્વારા શહેરના મોંઘાભાઇ હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં જિલ્લાના તમામ પોલીસ કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન શિબિરમાં ટ્રાફિક બ્રિગેડમાં પોતાની ફરજ બજાવતા ભાવિ દંપતી બંનેએ સાથે રક્તદાન કરી જણાવ્યું હતું કે, રક્તદાન અન્યની જિંદગી બચાવી શકે છે. તેથી તમામે રક્તદાન તો કરવું જ જોઇએ. તેની સાથે સાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. જે પણ જિંદગી બચાવે છે.