વલસાડ : વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા 11 મહિના દરમિયાન પકડાયેલા દારૂને કોર્ટના હુકમથી નષ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 15 પોલીસ સ્ટેશનના 8,823 કેસમાં ઝડપાયેલા 7,81,651 બોટલ દારૂ, જેની બજાર કિંમત 9 કરોડ 24 લાખ 77 હજાર 580 રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
વલસાડ પોલીસની કાર્યવાહી : સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નાયબ પોલીસ અધિક્ષક વલસાડ, પશ્ચિમ રેલવે સુરત વિભાગના નાયબ પોલીસ અધિક્ષક તથા મામલતદારોની હાજરીમાં સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમની નિગરાનીમાં સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મસમોટા દારૂના જથ્થાને ટ્રક દ્વારા ખુલ્લા સ્થળ પર લાવ્યા બાદ તેના પર રોડરોલર ફેરવી દેવામાં આવ્યું હતું. આમ એક સાથે 9 કરોડથી વધુની કિંમતના દારૂનો નાશ કરવામાં આવતા દારૂની નદીઓ વહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
9 કરોડના દારૂ પર રોડરોલર ફર્યું : વલસાડ જિલ્લાના વિવિધ 15 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ અને જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ પોલીસ સ્ટેશન અને દારૂના જથ્થાની વિગત નીચે મુજબ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કુલ 8,823 કેસમાં ઝડપાયેલા 7,81,651 બોટલ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જેની બજાર કિંમત રુ. 9,24,77,580 રૂપિયા થાય છે.
- ડુંગરી પોલીસ સ્ટેશન-159 કેસમાં 28,242 બોટલ (રુ. 36,51,255)
- વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન- 426 કેસમાં 47,820 બોટલ (રુ. 67,01,015)
- વલસાડ સીટી પોલીસ સ્ટેશન- 224 કેસમાં 40,251 બોટલ (રુ. 48,61,330)
- પારડી પોલીસ સ્ટેશન - 1631 કેસમાં 1,75,465 બોટલ (રુ. 2,30,09,899)
- ધરમપુર પોલીસ સ્ટેશન- 75 કેસમાં 5,371 બોટલ (રુ. 5,42,745)
- નાનાપોઢા પોલીસ સ્ટેશન- 69 કેસમાં 4,820 બોટલ (રુ. 5,30,150)
- કપરાડા પોલીસ સ્ટેશન- 47 કેસમાં 1,227 બોટલ (રુ. 1,14,540)
- વાપી ટાઉન પોલીસ સ્ટેશન- 1077 કેસમાં 1,14,535 બોટલ (રુ.1,29,73,420)
- વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશન- 230 કેસમાં 40,842 બોટલ (રુ. 47,17,615)
- ડુંગરા પોલીસ સ્ટેશન- 700 કેસમાં 68,646 બોટલ (રુ.68,13,000)
- ભીલાડ પોલીસ સ્ટેશન- 1,035 કેસમાં 1,95,972 બોટલ (રુ. 2,31,97,825)
- ઉમરગામ પોલીસ સ્ટેશન- 366 કેસમાં 17,740 બોટલ (રુ. 20,12,020)
- મરીન ઉમરગામ પોલીસ સ્ટેશન- 286 કેસમાં 5,828 બોટલ (રુ.8,03,125)
- વલસાડ રેલવે પોલીસ સ્ટેશન- 448 કેસમાં 7,261 બોટલ (રુ.4,38,154)
- વાપી રેલવે પોલીસ સ્ટેશન- 1,350 કેસમાં 27,991 બોટલ (રુ.21,11,487)
દારૂની નદીઓ વહી : ઉમરગામ તાલુકાના ભીલાડ ચેક પોસ્ટ ઉપર ખુલ્લી જગ્યામાં મામલતદાર અને પોલીસ અધિક્ષકની હાજરીમાં સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અહીં રોડરોલર અનેક દારૂની બોટલો ઉપર ફરી વળતા જાણે દારૂની નદીઓ વહી હતી. સ્વચ્છતા હી સેવા અંતર્ગત વલસાડ જિલ્લાના કુલ 15 પોલીસ મથકમાં છેલ્લા 11 મહિનામાં પકડાયેલા દારૂના કેસોમાં કબજે લેવામાં આવેલ દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો.