વલસાડ જિલ્લામાં રાજ્ય બહારથી આવતા અને જતા વાહનોને ચેકપોસ્ટ પર રોકી તેમની પાસે ટેક્સ વસુલવામાં આવતો હતો. જે તમામ ચેકપોસ્ટ ગુજરાત સરકારે નાબૂદ કર્યા બાદ હવે મુખ્ય માર્ગો પર વાહન ટેક્સ ચોરીને ડામવા ફ્લાઇંગ સ્ક્વોડની નિમણૂંક કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં પણ વલસાડ RTO દ્વારા આવા કુલ 5 ફ્લાઇંગ સ્ક્વોડ તૈનાત કરવામાં આવી છે. જેમાં, તલવાડા, ભિલાડ, બગવડા, સંજાણ, કપરાડા, ચેકપોસ્ટનો સમાવેશ થાય છે. જ્યાં RTO ઇન્સ્પેક્ટર અને અન્ય કર્મચારી મળી 24 કલાક ફરજ બજાવે છે અને ઓનલાઈન ODC નહીં ભરનાર વાહન માલિકો કે, ડ્રાઈવર પાસેથી POS પ્રકારના મશીન વડે ઓનલાઈન પેનલ્ટી ફટકારી ટેક્સની રકમ વસુલવામાં આવે છે.
ભીલાડ તથા કપરાડા ચેકપોસ્ટ વલસાડ જિલ્લામાં આવે છે, જેને નાબૂદ કરી દેવામાં આવી છે. જેથી પાંચ સ્થળે ફ્લાઇંગ સ્ક્વોડની નિમણુંક કરવામાં આવી છે. જેમાં, બગવાડા, સંજાણ, ભિલાડ, કપરાડા અને તલવાડા મુખ્ય છે. આ સ્થળે 24 કલાક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચેકિંગ અંગે વલસાડ RTO ઇન્સ્પેકટર આર.એમ.રાવલિયાએ જણાવ્યું હતું કે, સરકારે બહાર પાડેલી ઓનલાઇન ઓડિસી મોડ્યુલ મુજબ ગુજરાતમાં પ્રવેશનાર તમામ વાહનોને ONLINE ODC ભરીને જ પ્રવેશવાનું હોય છે.
જે વાહનો ONLINE ODC ભરીને આવતા નથી તેને ફ્લાઇંગ સ્ક્વોડ પકડી પાડે છે અને પેનલ્ટી ફટકારે છે. જે સરકારની જોગવાઈ મુજબ વસુલવામાં આવે છે. આ કામગીરી વલસાડ જિલ્લામાં 24 કલાક ચાલુ છે. ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવે છે. તેમાંથી જે લોકોએ ONLINE ODC ભર્યું છે, તેવા વાહનો જવા દેવામાં આવે છે. જ્યારે ONLINE ODC નહીં ભરનાર વાહનોને સ્થળ પર જ નોટિસ પાઠવવામાં આવે છે.
સરકાર તરફથી દરેક RTO ઇન્સ્પેક્ટરને POS પ્રકારના મશીન આપવામાં આવ્યા છે. જેમાં, ઇ-ચલણનું સોફ્ટવેર ઇન્સ્ટોલ છે. જેથી, જ્યારે પણ વાહનચાલકો મોટર વ્હીકલ એક્ટનો ભંગ કરે અથવા તો તેમને ચલણની જરૂર હોય તો તે ચલણ તેમાંથી બનાવીને આપવામાં આવે છે. જેમાં ATM કાર્ડથી સ્વાઈપ કરીને દંડની રકમ પણ ભરી શકાય છે. જે લોકોએ ઈ-ચલણની રસીદ મેળવ્યા બાદ પણ ટેક્સ નથી ભર્યો, તેવા વાહન માલિકો પાસે પેનલ્ટી સહિતની રકમ વસુલ કરવામાં આવે છે. ઉપરાંત વાહનને ડિટેઇન પણ કરવામાં આવે છે.