વલસાડ જિલ્લાના કોપરલી ગામે કોપરલી મુખ્ય માર્ગ પર બનેલું ઇસ્કોન દ્વારા સંચાલિત ભગવાન જગન્નાથના મંદિર ખાતે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને મહા અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઇસ્કોનમાં ખૂબ જ મહત્વ છે. સમગ્ર વિશ્વમાં ઈસ્કોન મંદિરો તેના સાજ-શણગાર માટે ખૂબ જ જાણીતા છે. આ વખતે કોપરલી ગામે આવેલા જગન્નાથ મંદિરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે વિશેષ થાઇલેન્ડથી મંગાવવામાં આવેલા ફૂલોનો સાજ-શણગાર કરવામાં આવ્યો હતો. જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. સાથે સાથે 50,000 રૂપિયા કરતા પણ વધુના ખર્ચે અન્ય ફૂલો પણ લાવવામાં આવ્યા હતા.
કોપરલી ખાતે આવેલા ભગવાન જગન્નાથના ઇસ્કોન ટેમ્પલમાં સંચાલક પ્રભુજીએ જણાવ્યું કે, અંદાજિત ૧૦ હજારથી પણ વધુ લોકો આ વર્ષે ભગવાનના દર્શનાર્થે ઉમટી પડશે. અને તેઓ માટે મહાપ્રસાદ સહીત શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી શકે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત ભજન કીર્તન સાંસ્કૃતિક કાર્યક્રમો કૃષ્ણ લીલા ઉપર વક્તવ્ય સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.