પારડીમાં પિતાએ પોતાની 14 વર્ષીય દીકરી સાથે આચર્યું દુષ્કર્મ
દીકરીએ ચાઈલ્ડ હેલ્પ લાઇન ઉપર ફોન કરી પિતા વિરૂદ્ધ કરી ફરિયાદ
જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ પિતા સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી
વલસાડ: પારડી શહેરમાં એક જાણીતા વિસ્તારમાં રહેતા એક શિક્ષિત પરિવારના પિતા સામે 14 વર્ષીય દીકરીએ ચાઈલ્ડ હેલ્પ લાઇન ઉપર ફોન કરી પિતા દ્વારા છેલ્લા બે વર્ષથી શારીરિક અડપલાં તેમજ બે વાર દુષ્કર્મ કર્યું હોવાની ચોંકાવનારી માહિતી આપી હતી. જેથી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા સમગ્ર બાબતને ગંભીરતાપૂર્વક લઈને પિતા સામે પોક્સો એક્ટ મુજબની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પિતાને ત્રણ સંતાન છે અને જેમાં બે દીકરી અને એક નાનો દીકરો છે. જે પૈકી ભોગ બનનાર દીકરી બીજા નબંરની છે. હાલ તો પોલીસે પિતાની સામે ગુન્હો દાખલ કરીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે, આરોપી પિતા શૈક્ષણિક ફિલ્ડ સાથે સંકળાયેલો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેમ છતાં પણ તેણે હેવાનિયતની હદ વટાવી પોતાની સગી દીકરી પર પણ દુષ્કર્મ આચર્તા પંથકમાં તેની સામે ફિટકાર ની લાગણી પ્રવર્તી રહી છે.
બીજી તરફ ભોગ બનેલી દીકરી એટલી ડરી ગઈ હતી કે, તેણીએ પોતાના ઘરે રહેવાને બદલે વલસાડ બાળ સુરક્ષા ગૃહમાં રેહવાનું પસંદ કર્યું છે. હાલમાં તેને ધરાસણા ખાતે આવેલા બાળ સુરક્ષા ગૃહમાં મોકલવામાં આવી છે.