વલસાડઃ શહેરમાં લોકડાઉન શરૂ થતાં જ તમામ ધંધા રોજગારને તેની સીધી અસર થઈ હતી. જેમાં રીક્ષા ચાલકોનો વ્યવસાય પણ બાકાત રહ્યો નથી, જોકે અનલોક 1માં બસોને કેટલાક અંશે છૂટ આપ્યા બાદ અનલોક 2માં રીક્ષા ચાલકોને પેસેન્જર બેસાડવાની નિયમો મુજબ છૂટ આપવામાં આવી હતી. પરંતુ જ્યા રીક્ષામાં 4 પસેન્જરો બેસાડવામાં આવતા હતા એના સ્થાને 2 પસેન્જરો બેસાડી રીક્ષા ચાલકો ભાડુ ચાર પસેન્જરનું વસુલતા હતા. જેની પાછળનું કારણ એ હતું કે, સરકાર દ્વારા માત્ર બે પસેન્જરોનો નિયમ બનાવ્યો હતો.
તો બીજી તરફ પેટ્રોલના ભાવો વધ્યા હતા, બે પસેન્જરો બેસાડી ભાડા કરવા તેમને પોષાય એમ ન હતા, તેથી પસેન્જર ભલે બે બેસાડવામાં આવે પણ ભાડું ચાર પસેન્જરના હિસાબે વસુલ કરવામાં આવતું હતું અને હાલમાં પણ એજ સ્થિતિ છે.
રીક્ષા ચાલકોએ જણાવ્યું કે રીક્ષા તેઓએ લોન દ્વારા ખરીદી હતી, દરેક રીક્ષાના અલગ-અલગ હપ્તા ભરવાના થાય છે. લોકડાઉન થતા તેઓના લોનના હપ્તા 4 માસ સુધી ભરી શક્યા નથી. ઘર ચલાવવા કેટલાક રીક્ષા ચાલકોએ વ્યાજે નાણા લીધા છે. તો કેટલાક લોકોએ સોનુ ગીરવે મુકી હપ્તાની વ્યવસ્થા કરી છે. એવા સમયમાં સરકારે રીક્ષા ચાલકોને છૂટ આપી જો વધુ પસેન્જર બેસાડી ભાડા કરે તો પોલીસ દંડ અને રીક્ષા ડિટેન થઈ જાય અને ઓછા પસેન્જર ભરી ભાડા કરે તો ડીઝલના ભાવ વધતા તે પોષાય એમ નથી.
ભાડાની રકમ તેમના દ્વારા વધારવામાં આવી છે, એક રીક્ષા ચાલક સાંજે માત્ર 1000થી 1200 રૂપિયા કમાઈને જતો હોય છે. કોઈ ભાડાની રીક્ષા હોય તો 500 રૂપિયા રોજના ભાડાવાળાને આપવા પડે છે, ડીઝલના 400 રૂપિયામાં માત્ર 200થી 300 રૂપિયા બચત થાય છે. જેથી ભાડા કરવા પોષાય એમ નથી.
તો બીજી તરફ વલસાડ શહેરમાં કુલ 19 રીક્ષા સ્ટેન્ડ આવેલા છે. જેમાં 2500થી વધુ રીક્ષાઓ ફરે છે, તમામ ઉચક ભાડા, લોકલ ભાડાનો રેટ વસુલ કરે છે. વર્ષોથી રીક્ષામાં મીટરનો ઉપયોગ કરવામાં આવતો નથી એટલે પસેન્જરએ જે ભાડું માંગેએ આપી દેવાની ફરજ પડે છે, જેના કારણે ઘણી વાર પ્રવાસી સાથે રકઝક પણ થતી જોવા મળે છે.
જોકે આ સમગ્ર બાબતે વલસાડ જિલ્લા ટ્રાફિક વિભાગના પી.એસ.આઈ જે આઈ પરમારએ ટેલિફિનિક વાતચીતમાં જણાવ્યું કે, લોકડાઉનમાં કોઈ મુસાફરોની કોઈ એવી ફરિયાદ સામે આવી નથી કે રીક્ષા ચાલકો કે જબરજસ્તી ભાડું વધારે વસુલ્યું હોય કે તેઓ ભાડા વધારે લે છે.
તો બીજી તરફ આર.ટી.ઓ ઇન્સ્પેકટર આર. આર. રાવલિયાએ જણાવ્યું કે રીક્ષા ચાલકો જ્યારે પાસિંગ માટે આવે છે. ત્યારે રીક્ષામાં મીટર ફરજીયાત પણે હોય છે અને તોજ અહીં તેઓનું પાર્સિંગ થતું હોય છે. પરંતુ મોટા ભાગે રીક્ષા ચાલકો મીટરનો ઉપયોગ કરતા નથી. લોકલ કક્ષાના ભાડાનું એક પત્રક નિશ્ચિત છે, તે મુજબ તેઓ ભાડા લેતા હોય છે.
આમ વલસાડ જિલ્લામાં પણ લોકડાઉનમાં મુંઝવણમાં મુકાયેલા રીક્ષા ચાલકો મજબૂરી વશ પણ ભલે પસેન્જર બે બેસાડે પણ ભાડુ 4 પસેન્જરનું લેવા મજબૂર બન્યા છે, કોરોના દરમ્યાન લોકડાઉનએ તેમની આર્થિક સ્થિતિ ખૂબ કપરી કરી દીધી છે.