વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વારધા ગામે સારીણી ફળિયામાં રહેતા ૪૦ જેટલા લોકોની જિંદગી દોજખ જેવી બની છે. હજુ સુધી આ ગામમાં કોઈપણ ફળિયામાં વિકાસ જોવા મળતો નથી. આ ફળિયામાં જવા માટે લોકોને કોલક નદીના ચેકડેમ ઉપર પાણીના પ્રવાહમાંથી જીવના જોખમે પસાર થઈને જવું પડે છે. સાથે-સાથે આ ફળિયામાં જો કોઈનું મોત થાય તો, તેની નનામીને પણ લાકડી ઉપર બાંધી ઝોળી કરી ચેકડેમ ઉપર લઈ જવી પડે છે. આ સમગ્ર તકલીફ અંગે ETV ભારત દ્વારા અહેવાલ રજુ કરવામાં આવતા વલસાડ જિલ્લા વહીવટી તંત્રની ટીમ અને જિલ્લા વિકાસ અધિકારી દેવાંગ દેસાઈ દ્વારા વારધા ગામની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે ગામમાં લોકોની આવન-જાવન માટે કઈ રીતે વ્યવસ્થા ઊભા કરી શકાય તે અંગે સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી હતી.
દેવાંગ દેસાઈએ કહ્યું કે, અહીં આગળ નદીમાં હોડી મુકી આવાગમન થઈ શકે કે, નહીં તે અંગે પણ શક્યતાઓ ચકાસી હતી અને જ્યાં સુધી બ્રિજ ન બને ત્યાં સુધી આ લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. નોંધનીય છે કે, રક્ષાબંધન પર એક 10 વર્ષીય બાળક આજ ચેકડેમના કોઝ-વે ઉપરથી પસાર થતા નદીના પાણીમાં પરિવારની નજર સમક્ષ તણાઈ ગયો હતો. જેનો મૃતદેહ મળ્યા બાદ તેની પણ નનામી ઝોળી કરી લઈ જવાની ફરજ પડી હતી.