વલસાડ: લોકડાઉન દરમિયાન RTO દંડ સ્થાનિક પોલીસ વસૂલી શકે તે નિર્દેશ આવતા જ સોમવારથી વાહનચાલકોની પોલીસ મથકે લાંબી કતાર લાગી હતી. વાપી ટાઉન, વાપી GIDC અને ડુંગરા પોલીસે કુલ 271 ચાલકો પાસેથી મંગળવાર સુધીમાં 8.45 લાખનો દંડ વસુલ્યો હતો. કોરોના વાઈરસને લોકડાઉન જાહેર કરાયું છે. આમ છતાં લોકો કામ વગર બહાર નીકળી રહ્યા છે. જે કારણે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વાપી ટાઉન, વાપી GIDC અને ડુંગરા પોલીસ મથક વિસ્તારમાં વાહન લઈને રસ્તા પર ફરતા લોકો પાસેથી વાહન ડિટેઈન કરી તમામને RTO મેમો અપાયા બાદ દરેક પોલીસ મથકે વાહનોના ખડકલા જોવા મળ્યા હતા. RTO કચેરી બંધ હોવાથી ઉપરથી નિર્દેશ જારી કરાયો હતો કે, જે તે સ્થાનિક પોલીસ RTO દંડ વસુલ કરી શકશે. જેથી સોમવારથી દરેક પોલીસ મથકે દંડની વસૂલાત શરૂ કરવામાં આવી હતી.
સોમવારે વાપી ટાઉન પોલીસે 35 વાહન માલિકો પાસેથી 1,05,100 રૂપિયા અને મંગળવારે 73 વાહનચાલકો પાસેથી 3,02,500 રૂપિયાના દંડની વસૂલાત કરી હતી. વાપી GIDC પોલીસ મથકમાં સોમવારે 57 વાહનચાલકો પાસેથી 1,28,500, મંગળવારે 59 વાહનચાલકો પાસેથી 1.36 લાખ રૂપિયા દંડ પેટે વસુલ્યા હતાં. ડુંગરા પોલીસ મથકમાં 47 વાહન છોડી 1.73 લાખ રૂપિયાની વસૂલાત કરતા, ત્રણેય પોલીસ સ્ટેશન મળી કુલ 8.45 લાખ રૂપિયાનો દંડ વસુલાયો હતો.