- વાર્ષિક 100 કરોડનો મત્સ્યોદ્યોગ મરણ પથારીએ
- અપૂરતા ભાવને કારણે માછીમારોની હાલત કફોડી
- વલસાડ જિલ્લો માછીમારી માટે આગવું નામ ધરાવે છે
નારગોલઃ ગુજરાતમાં વલસાડ જિલ્લાનો ઉમરગામ તાલુકો માછીમારી ક્ષેત્રે આગવું નામ ધરાવે છે. ઉમરગામ, નારગોલ તડગામ, કાલય, મરોલી, ફણસા આ વિસ્તારમાં માછીમારો માટે જાણીતા બંદરો છે. વલસાડ જિલ્લામાં વાર્ષિક 100 કરોડનો માછલી ઉત્પાદનનો વ્યવસાય ધમધમે છે. અનેક નાની મોટી બોટ દ્વારા દરિયામાંથી માછલીઓ પકડી સ્થાનિક બજારમાં તેમજ અન્ય દેશોમાં નિકાસ કરે છે. જોકે હાલ આ
માછીમારોને અપૂરતા ભાવ, કોરોના કાળ અને હવામાનમાં ફેરફારને કારણે લાખોની ખોટ સહન કરવી પડી રહી છે.
માછીમારોને બાયોમેટ્રિક કાર્ડ આપો
આ અંગે નારગોલ ગામના શૈલેષભાઈ હોડીવાળાએ વિગતો આપી હતી કે, હાલ કોરોના કાળમાં માછીમારો માટે કપરી પરિસ્થિતિ ઉભી થઈ છે. શરૂઆતમાં છ મહિના માછીમારી બંધ રહી હોવાથી મચ્છીનું બ્રિડિંગ વધવાથી ઉત્પાદન વધુ મળવાની આશા હતી, પરંતુ ઉત્પાદન સામે માછીમાર પરિવારો અને બોટની સંખ્યા વધુ હોવાથી આશા ઠગારી નીવડી છે. સરકાર ખેડૂત સહાયની જેમ તમને યોગ્ય ભાવ બાંધણું કરી સહાય કરે, ડીઝલ પણ ભાવ કટ કરીને આપે, 32 ફૂટથી મોટી બોટ માટે પ્રતિબંધ છે તેને મંજૂરી આપે. આ સાથે જ જેવી રીતે એક ખેડૂત ખાતેદાર ખેતીના આધાર પુરાવા બાદ જ ખેડૂત બની શકે તે મુજબ માછીમારોને પણ બાયોમેટ્રિક કાર્ડ આપી જન્મજાત માછીમાર જ માછીમારી કરી શકે તેવી પરમીશન આપે તો જ માછીમારો પોતાનું ગુજરાત ચલાવી શકશે.
માછલીઓના પૂરતા ભાવ ન મળવાથી માછીમારોને જ માછીમારી કરવાની ઉઠી માગ પહેલાની સરખામણીએ મચ્છીના 50 ટકા ભાવ ઘટ્યાઅન્ય માછીમાર ઉપેન્દ્ર ટંડેલે પણ મચ્છીના ઘટેલા ભાવો અંગે નારાજગી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, પહેલાં જે મચ્છીના કિલોના ભાવ 500 રૂપિયા બોલાતા હતા તે હવે 200 થી 250 રૂપિયા કિલોના ભાવે બોલાય છે. જેમાંથી મજૂરીના ડીઝલના પૈસા પણ માંડ નીકળે છે. નારગોલ જેવા બદરે પ્રોમફ્રેટ, બોમ્બે ડક પ્રકારની માછલીઓ આવે છે. જેને સ્થાનિક માછીમારો સ્થાનિક બજારમાં તેમજ એક્સપોર્ટર્સને વેચે છે. જેઓ શ્રીલંકા, ચાઇના, બાંગ્લાદેશ, યુરોપિયન દેશોમાં તેની નિકાસ કરે છે, પરંતુ હાલ એક્સપોર્ટ બંધ હોવાથી તેમના તરફથી પુરતો ભાવ મળતો નથી.
સુવિધા સજ્જ મત્સ્ય બંદરોનો અભાવ
વલસાડ જિલ્લાના માછીમારોને પડતી સમસ્યા અંગે પણ માછીમારોએ આક્રોશ ઠાલવ્યો હતો કે, સૌરાષ્ટ્રમાં માછીમારી માટે અનેક સારા મત્સ્ય બંદર છે. વલસાડ જિલ્લામાં એવા સુવિધા સજ્જ બંદરો બનાવવા જરૂરી છે. તો, હાલ આ ધંધામાં જેવો માછીમાર નથી તેવા પૈસાદાર લોકો પણ મોંઘી બોટ ખરીદી માછીમારીની પરમિશન મેળવી લે છે એટલે સાચા ગરીબ માછીમારોની રોજગારી છીનવાઈ છે. સરકારે દરેક જન્મજાત માછીમારને બાયોમેટ્રિક કાર્ડ આપી તેમને જ માછીમારીની પરમિશન આપવી જોઈએ તેવી માછીમારોની માગ ઉઠી છે.
વલસાડ જિલ્લાના બંદરો પરથી માછલીઓનું અંદાજિત વાર્ષિક ઉત્પાદન
Promfret વાર્ષિક 45000 કિલોગ્રામ
Bombay Duck વાર્ષિક 1.65 કરોડ કિલોગ્રામ
Hilsa વાર્ષિક 2 લાખ કિલોગ્રામ
Colia વાર્ષિક 15 લાખ કિલોગ્રામ
Mullet વાર્ષિક ત્રણ લાખ કિલોગ્રામ
Ribbon Fish વાર્ષિક 60 હજાર કિલોગ્રામ
Shrimps વાર્ષિક 70 લાખ કિલોગ્રામ
Prowns વાર્ષિક 6 લાખ કિલોગ્રામ
Levta વાર્ષિક 20 હજાર કિલોગ્રામ
આ સિવાય અન્ય માછલીની પ્રજાતિઓ તેમજ કરચલા સહિત વાર્ષિક 100 કરોડની આસપાસનો આ ધમધમતો વ્યવસાય છે.