વલસાડ : સુખી રહેજો તમારા કુળ પુત્ર અને પરિવાર જેવા વાક્યોથી સંગીતમય તાલ સાથે આશીર્વાદ આપી ઘરઆંગણે માતાજીની આરાધના કરતું ઘેરિયા નૃત્ય આદિવાસી સમાજનું એક નૃત્ય છે. જેમાં બે લોકો હાથમાં છત્રી લઇને રામાયણ મહાભારત લોકગીતો કે પછી માતાજીના ગરબા અને પૌરાણિક કહાનીઓ જેવા કે શ્રવણના ગરબા લલકારતા હોય છે. સંગીતમય વાણીમાં લોકકથા રામાયણ મહાભારત કથા કે શ્રવણના ગરબાઓ લલકારી નૃત્ય કરે છે. છત્રી લઈને નાચતા મુખ્ય બે કવિઓની ઉપર જ તમામનો મદાર અને નાચવાની શૈલી રહેલી છે. આ બંને છત્રીધારીઓને કવ્યાઓ કહેવામાં આવે છે, જેમના તાલ આધારે જ અન્ય ઘેરૈયા નૃત્ય યુવાનો કરતા હોય છે.
ઘેરિયા નૃત્યના ઘરઆંગણે પગલાં કરાવવાની માન્યતા : વર્ષોથી એવી માન્યતા છે કે દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે માતાજીની આરાધના કરતા ઘેરિયાઓને પોતાના ઘર આંગણે કંકુ ચોખા નાખી વધામણા કરી આમંત્રણ આપી આમંત્રિત કરવામાં આવે છે. તેમના દ્વારા વિવિધ આશીર્વચનો ઘરના મોભી અને પરિવાર સભ્યોને આપવામાં આવે છે. જેથી સમગ્ર વર્ષ સુખ સમૃદ્ધિ અને ઉન્નતિ અને પ્રગતિ સાથે વીતે એવી માન્યતા છે. જેને લઈને વલસાડ જિલ્લામાં હાલ ઠેરઠેર ગામેગામ અને ફળિયે ફળિયે ઘેરાયા નૃત્યને લોકો ઘર આંગણે આમંત્રિત કરે છે, જેથી તેમનું સમગ્ર વર્ષ ઉન્નતિ અને પ્રગતિ સાથે વીતે.
અંબાચમાં 50 વર્ષથી પરંપરા : પારડી તાલુકાના અંબાચ ગામે પટેલ ફળિયામાં છેલ્લા 50 વર્ષથી ઘેરિયા નૃત્યની પરંપરા જાળવી રાખેલા મંડળના સભ્યોએ જણાવ્યું કે તેઓ દર વર્ષે દિવાળી અને નવા વર્ષ નિમિત્તે તેમના પટેલ ફળિયા અને આસપાસના ગામોના વિવિધ ક્ષેત્રમાં લોકોની લાગણીને માન આપીને ઘર આંગણે જતા હોય છે અને લોકોના ઘર આંગણે ગેરીયા નૃત્ય યોજી માતાજીની આરાધના કરી આમંત્રિત કરનારા પરિવારને આશીર્વાદ પણ આપતા હોય છે. વિવિધ ગીતો ઝરીયા અને પવાડાઓ ગાઇને આ પ્રસંગને ખૂબ ઉત્સાહ્મપૂર્ણ ઉજવણી કરતા હોય છે, આજે અંબાચ પટેલ ફળિયા ખાતે માતાજીની આરાધના કરતા ઘેરીયા નૃત્ય કરતા અનેક યુવાનો ફળિયાના ઘરોએ ફર્યા હતાં. દરેક ઘરના પરિજનોને તેમણે સુખ સમૃદ્ધિના આશીર્વાદ પણ આપ્યા હતાં.
ઘેરિયા નૃત્ય કરનારા માતાજીની આરાધના કરે છે : ઘેરિયા નૃત્ય કરનારા યુવકો સીસમના દાંડિયા હાથમાં લઇને માતાજીના ગરબા ગરબી લોકવાર્તાઓ તેમની આગવી શૈલીમાં સંગીતમય વાણીમાં લોકો સમક્ષ મૂકે છે. તેમના ઝરીયા અને પવાડા દરમ્યાન ઘેરિયામાં રમતા યુવકો ..હા રે હા ભાઈ ઉચ્ચારતા હોય છે જે એમની આગવી ઓળખ છે.
પરંપરાગત સંસ્કૃતિ સાચવવા પ્રયાસ : આદિવાસી સંસ્કૃતિથી યુવાનો વિમુખ ન થાય તે માટે ઘેરિયા નૃત્ય દિવાળી પર્વ નિમિત્તે દરેક આદિવાસી ક્ષેત્રમાં ઘેરિયા નૃત્યની પરંપરાગત સંસ્કૃતિ વિસરાઈ ન જાય તેવો પ્રયાસ કરવામાં આવે છે. આજનો યુવાન સંસ્કૃતિથી વિમુખ ન થઈ જાય એવા હેતુ સાથે દરેક ગામોમાં જ્યાં ઘેરિયા મંડળો ચાલે છે તેમાં વર્તમાન સમયના યુવાનોને રસ પડે તે રીતે જોડવામાં આવી રહ્યા છે. યુવાનો પણ આ સંસ્કૃતિના જતન માટે ઉત્સાહભેર જોડાઈ પણ રહ્યાં છે. તેમને ઘર આંગણે બોલાવે છે.