વલસાડ: સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાન અંતર્ગત જિલ્લાના દરેક તાલુકાઓમાં જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવી રહયું છે. જેના ભાગરૂપે શુક્રવારે ધરમપુરના જાહેર માર્ગ પર આરોગ્ય વિભાગ દ્રારા વીશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી વિભાગ દ્વારા કેન્દ્રની યોજના અંતર્ગત જાગૃતતા રેલી યોજાઈ હતી, જે ધરમપુરના વિવિધ વિસ્તારોમાં ફરી રહી હતી.
આ દરમિયાન ધરમપુર પોલીસ દ્વારા પરવાનગી બાબતે તેને અટકાવી દેવામાં આવી હતી. જો કે, કલેક્ટરના બહાર પાડવામાં આવેલા સભા સરઘસ રેલી અંગેના જાહેરનામામાં પણ સરકારી વિભાગને રેલીઓની છૂટછાટ હોય છે. આ ઉપરાંત તેના માટે કોઈ પરવાનગી લેવાની રહેતી નથી, જે સ્પષ્ટ પણે જાહેરનામાની નકલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ છતાં પોલીસ દ્વારા પરવાનગી લેવામાં આવી નથી, એવું કહીને તેને અટકાવવામાં આવી હતી.
નોંધનીય છે કે, જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવતા જાહેરનામામાં સ્પષ્ટ પણે ઉલ્લેખ કરવમાં આવે છે કે, સરકારી રેલી, કાર્યક્રમોને જાહેરનામું લાગુ પડતું નથી. છતાં ધરમપુર પોલીસે રેલી અટકાવી દેતા પોલીસે જાહેરનામાનું અધ્યયન ન કર્યું હોવાનું જણાય આવ્યું હતું. બીજી તરફ પોલીસનું કહેવું હતું કે, રેલી માટે આરોગ્ય વિભાગે પોલીસ પરવાનગી લીધી ન હતી. જો કે, બાદમાં રેલીને જવા દેવામાં આવી હતી.