વલસાડઃ જિલ્લાના વાપી શહેરમાં કોરોના મહામારી દરમિયાન લાગુ અનલોક-1માં સરકારે હોટલ-રેસ્ટોરન્ટ ખોલવા માટે સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી વેપાર કરવાની પરવાનગી આપી છે, જેથી હોટેલ-રેસ્ટોરન્ટ માલિકોને કોઈ જ ફાયદો થતો ના હોવાથી વાપી હોટલ એસોસિએશને રાત્રે 7ના બદલે 9 વાગ્યા સુધી હોટલ ખુલી રાખવાની માગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે જેથી નાગરિકો કોરોનાના સંક્રમણથી બચી શકે તો સાથે ધંધો રોજગાર પણ કરી શકે તે માટે લોકડાઉન બાદ અનલોક-1 લાગુ કરાયું છે.
સરકારની ગાઇડલાઈન મુજબ આ માટે દરેક વેપારી સવારના 7 થી સાંજના 7 વાગ્યા સુધી જ પોતાના વેપાર ધંધા ખુલ્લા રાખી શકશે. જો કે આ સમયગાળો હોટેલ-રેસ્ટોરન્ટના વ્યવસાય સાથે સંકળાયેલ લોકો માટે અનુકૂળ નથી, તેમના મતે હોટેલ-રેસ્ટોરન્ટમાં સાંજના 7 થી 9 વચ્ચે જ વેપાર થતો હોય છે. જેથી આ સમય મર્યાદા 9 વાગ્યા સુધીની કરવામાં આવે તેવી માગ હોટલ એસોસિએશને કરી હતી.
આ અંગે વાપી હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા બુધવારે વાપી મામલતદારને આવેદનપત્ર આપી આવનારા દિવસોમાં સરકાર 9 વાગ્યા સુધી હોટલ-રેસ્ટોરન્ટ ખોલવીની મંજૂરી આપે તેવી માગ કરાઇ હતી.
કોરોના મહામારીમાં જાણે કોરોના રાત્રે જ લોકોને પોતાની ઝપેટમાં લેતો હોય તેવો સરકારનો આ કાયદો લોકો માટે પહેલેથી રમૂજી બન્યો છે, ત્યારે એની સાથે હોટેલ એસોસિએશનની માગ પણ બાલિશ માગ છે. કેમ કે જો હોટેલનો વેપાર 9 વાગ્યા સુધી કરવામાં આવે તો હોટેલમાં જમવા આવતા ગ્રાહક એટલે કે નાગરિક માટે પણ એ કાયદો 9 વાગ્યાનો થયો અને 7 વાગ્યા બાદ ઘર બહાર નીકળતા દરેક નાગરિક હોટેલમાં જમવા ગયા હતા કે જવાના એવા બહાના મારી 9 વાગ્યા સુધી બજારમાં ફરતા રહેશે અને 7 થી 7નો કાયદો સરકારનો બાલિશ નિર્ણય સમાન જ લેખાશે.
ઉલ્લેખનીય છે કે વાપીમાં અંદાજિત 64 હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ છે. હાલમાં તેઓનો વેપાર ઠપ્પ છે અથવા તો ખોટમાં છે. સરકારે જાહેર કરેલી હોમ ડિલિવરીમાં પણ 20 ટકાનો ઘટાડો છે, ઉપરથી સેનેટાઈઝર અને માસ્ક સહિતનો ખર્ચ અલગ થાય છે.