વલસાડ જિલ્લાના અબ્રામા ખાતે આવેલા વાવ ફળિયામાં રહેતા રાજુ નારણ રાઠોડ નામનો આધેડ છેલ્લા ત્રણ દિવસથી મજૂરી કામ અર્થે બહાર ગયા બાદ ઘરે પરત ફર્યો હતો. આ આધેડ છેલ્લા કેટલાક સમયથી પોતાના પરિવારનું ભરણપોષણ કરવામાં માટે છૂટક મજૂરી કામ કરતો હતો. છેલ્લા ત્રણ દિવસથી રાજૂ ઘરે પરત ન ફરતા પરિવારજનોમાં ચિંતાનો માહોલ છવાયો હતો.
પરિવારજનોએ રાજૂની શોધખોળ શરૂ કરી હતી. બુધવાર વહેલી સવારે વલસાડ ધરમપુર રોડ પર આવેલી જોશી હોટલ નજીકના સર્વિસ રોડની બાજુમાં ખુલ્લા પ્લોટમાં ઢાકણ વગરની ગટરની ચેમ્બરમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોએ પોલીસને કરી હતી. વલસાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. રાજુના મોત અંગે અનેક શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે.
મહત્વનું છે કે, ત્રણ દિવસથી ગુમ રાજુ નારણ રાઠોડનો મૃતદેહ મળી આવતા તેમના મૃત્યુ અંગે પણ અનેક રહસ્ય રહ્યા છે. આ સમગ્ર બાબતે હાલ પોલીસે મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.