વાપી : કોરોના વાઈરસની મહામારીને નાથવા દેશમાં લૉકડાઉન છે. વલસાડ જિલ્લામાં લૉકડાઉનનું પાલન લોકો સ્વૈચ્છિક રીતે કરી રહ્યા છે. અનેક સમાજ સેવી સંસ્થા અને વ્યક્તિઓ જરૂરિયાતમંદોને સહાય પૂરી પાડી રહ્યાં છે. આવા સમયે વલસાડ કલેકટર, DDO, DSPએ પણ પોતાની માનવતા બતાવી છે. વલસાડ જિલ્લા કલેકટર સી. આર. ખરસાણ, જિલ્લા પોલીસવડા સુનિલ જોશી, DDO અર્પિત સાગરની ટીમે સંજાણમાં વર્ષોથી ગામ બહાર અલગ જ વસવાટ કરતા અને મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રક્તપિત્ત પીડિત પરિવારોને અનાજ, કરિયાણાની કિટ આપી માનવતા મહેકાવી હતી.
કોરોનાના કહેરમાં ઠેરઠેર માનવતાના દર્શન થઈ રહ્યાં છે. હજારો સ્વયં સેવી સંસ્થાઓ ભૂખ્યાને ભોજન આપી રહી છે. લોકો માનવ સેવા એ જ પ્રભુ સેવાનું સૂત્ર સાર્થક કરી રહ્યાં છે. ત્યારે, સતત વ્યસ્ત રહેતા જિલ્લાના વહીવટી અધિકારીઓ પણ આવા અનેક પરિવારોને મદદરૂપ થઇ માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યાં છે.
લેપ્રસી વૈશ્વિક સ્તરે વ્યાપ્ત રોગ છે. 1980માં સમગ્ર વિશ્વમાં લેપ્રસીના 52 લાખ કેસ નોંધાયા હતા. તેની સરખામણીએ 2012માં વૈશ્વિક સ્તરે લેપ્રસીના નવા કેસોની સંખ્યા ઘટીને 2,30,000 થઈ ગઈ હતી, જે પૈકી અડધો અડધ કેસ ભારતમાં નોંધાયા હતા. વર્ષ 2016માં થયેલા સર્વે મુજબ ભારતમાં તે વર્ષે 79000 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં સરેરાશ એક લાખ વ્યક્તિએ સાત રક્તપિત્તના કેસ જોવા મળે છે. તેમાંય દક્ષિણ અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં આ રોગનું પ્રમાણ વધારે છે.
આ રોગ લેપ્રસીગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે. ઉધરસ મારફતે અથવા ચેપગ્રસ્ત વ્યક્તિના નાકના પ્રવાહી સાથે સંપર્કમાં આવવાથી તે થાય છે. ગરીબીમાં જીવતા લોકોમાં ગીચ વસ્તી, ગંદકી અને કુપોષણને કારણે રક્તપિત્ત થવાની શક્યતા વધુ હોય છે. પ્રચલિત માન્યતાથી વિપરીત, આ રોગ બહુ ચેપી નથી. પરંતુ આજે જે રીતે કોરોના વાઈરસના ફેલાવાને રોકવા લોકો વચ્ચે અંતર જાળવવાની ભલામણ કરવામાં આવે છે. એવી રીતે વર્ષો પહેલા આવા રોગીઓને ગામ બહાર રહેવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી. સંજાણમાં આ લોકો વર્ષોથી ગામ બહાર રહે છે. અને નાનીમોટી મજૂરી કરી પોતાનું અને પરિવારનું ભરણ પોષણ કરે છે. લૉકડાઉનના કપરા દિવસોમાં વહીવટીતંત્ર આ લોકોની મદદે આવ્યું છે.
ગુજરાતીમાં રક્તપિત્ત કહેવાતો ત્વચા રોગ (લેપ્રસી) કે હેન્સેન્સ તરીકે પણ ઓળખાય છે. તે એક લાંબા ગાળાનો ચેપ છે, રક્તપિત્ત હજારો વર્ષોથી માનવજાતને પ્રભાવિત કરે છે. આ રોગનું નામ લેટિન શબ્દ લેપ્રા પરથી પડ્યું છે જેનો અર્થ “પોપડી” થાય છે, જ્યારે “હેન્સેન્સ રોગ” નામ ગેરહાર્ડ આર્મર હેન્સેન પરથી પડ્યું છે. લેપ્રસી કિટાણુંજન્ય ચેપી રોગ છે. જે માયોબેક્ટેરિયમ લેપ્રે અને માયોબેક્ટેરિયા મેપ્રોમેટોસિસ બેક્ટેરીયા દ્વારા થાય છે.