વલસાડઃ જિલ્લામાં વાપી નજીક મોટા પોંઢાગામે કન્ટેનર ચાલકે દંપતીને અડફેટે લેતા પતિ-પત્નીના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જેમાં મૃતક પતિનું નામ કિકું આહીર હતું. જ્યારે પત્નીનું નામ લલીતાબેન હતું. અકસ્માત બાદ કન્ટેનર ચાલક ફરાર થયો હતો. જો કે, દેગામ આઉટ પોસ્ટ પર તેને ઝડપી પાડી ડુંગરા પોલીસ અને નાનાપોંઢા પોલીસ મથકને જાણ કરતા નાનાપોંઢા પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી છે.
અકસ્માતની ઘટનાને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મૃતક દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સ્થળ પર આ પહેલા પણ અગાઉ ત્રણેક અકસ્માત થઈ ચૂક્યા છે. જેમાં પણ દંપતીના મોત થયા હોય ગ્રામજનોમાં રોષ સાથે અરેરાટી ફેલાઈ હતી. આજની ઘટનામાં કન્ટેનર ચાલક નશાની હાલતમાં હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મોટાપોંઢા અંબા માતા મંદિર નજીક થોડા સમય પહેલા નામધા ગામેથી આહવા પોતાના વતન જતા પતિ-પત્નીનું પણ કન્ટેનર અડફેટે મોત નીપજ્યું હતું. તે અગાઉ વાપીના કોળીવાડ વિસ્તારના દંપતિનું પણ આ જ સ્થળે અકસ્માતમાં મોત થયું હતું.