- દાદરા નગર હવેલીમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા ચૂંટણીનું આયોજન
- 183 ગ્રામ પંચાયત માટે મતદાન યોજાયું
- કુલ 80.09 ટકા મતદાન થયું
દાદરા નગર હવેલીઃ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતના 183 જેટલી ગ્રામ પંચાયત માટે 441 સભ્યો 61 જિલ્લા પંચાયતના સભ્યો તેમ જ 45 જેટલા ગામના સરપંચો માટે 383 બુથ ઉપરથી મતદાન થયું હતું દાદરા અને નગર હવેલીના 1,59,879 કુલ મતદાતા પૈકી 1,28,057 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાંજે કુલ 80.09 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારે આજે બુધવારના રોજ સેલવાસના કરાડ ખાતે આવેલ સરકારી પોલીટેક્નિક કોલેજમાં પાલિકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે મત ગણતરી શરૂ થઈ છે. સુરક્ષિત અને શાંતિ પૂર્ણ માહોલમાં મતગણતરી થાય તે માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ સુરક્ષાઓ ઉભી કરવાંમાં આવી છે.
જેડીયુના ઉમેદવાર જીત્યાં
વહેલી સવાર 8 વાગ્યાથી જિલ્લા પંચાયત અને પાલિકા માટે મત ગણતરી શરૂ થઈ હતી. જેમાં જિલ્લા પંચાયત દાદરા અને નારોલીમાં જનતા દલ યુના ઉમેદવારનો વિજય થયો હતો. જ્યારે પાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપ , વોર્ડ નંબર 2 માં જે ડી યુ અને વોર્ડ નંબર 3માં જેડીયુના ઉમેદવાર વિજયી થતાં સમર્થકો અને વિજય થયેલા ઉમેદવારોએ આભારની લાગણીઓ વ્યક્ત કરી હતી. તો હજુ પણ અન્ય વોર્ડ અને જિલ્લા પંચાયત માટેની ગણતરી ચાલી રહી છે.