વલસાડ: ગત 29 જુલાઇના રોજ પારડીના ટુકવાડા નજીક GIDC પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ઉપર 14થી 15 જેટલા અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ થયેલી પોલીસ ફરિયાદમાં પોલીસે 5 આરોપીની ધરપકડ કરી હતી. જેમાં સોનુ કુમાર નકુલ સિંહ, કરતારસિંહ જાટ, કિશન સિંહ રાજપુત, ઋષિ શંકર યાદવ અને કાલી ગોપાલ દેવનાથ સામેલ છે.
વલસાડ કોરોના અપડેટ
- સક્રિય કેસઃ 181
- કુલ ટેસ્ટઃ 11201
- ડિસ્ચાર્જઃ 547
- કુલ ક્વોરેન્ટાઈનઃ 496
- કુલ મોતઃ 7
પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તમામનો કોરોના ટેસ્ટ કર્યો હતો. જેમાં જેમાં સોનુ કુમાર નકુલ સિંહ નામના આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી પારડી પોલીસ મથકમાં ચકચાર મચી છે. કારણ કે, આ તમામ આરોપીઓને લાવવા-લઈ જવા અને તેમની પૂછપરછ કરવા માટે પોલીસ કર્મચારીઓ સતત તેમના સંપર્કમાં આવ્યા હતા.
આ સમગ્ર બાબતે જિલ્લા આરોગ્ય એપેડેમીક ઓફિસરે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, આરોપીઓના ખૂબ નજીક પહોંચેલા અને સેફ્ટી સાધનોનો ઉપયોગ કર્યા વિના તેમના સંપર્કમાં આવેલા કર્મચારી અને અધિકારીઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 700ને પાર પહોંચ્યો છે, ત્યારે સંક્રમણ ફેલાતું અટકાવવા માટે પોલીસ મથકમાં ઝડપાયેલા તમામ આરોપીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવે છે.