વલસાડ : કપરાડા તાલુકાના સુથારપાડા ગામ પંચાયત દ્વારા માર્કેટમાં રહેલી તમામ દુકાનોને ઠંડા પીણાની દુકાનો તેમજ માંસાહારનું વેચાણ કરતી તમામ દુકાનદારોને જ્યાં સુધી કોરોના વાયરસ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી દુકાનો બંધ રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા દરેક દુકાનદારોને આ પ્રમાણેની લેખિત સૂચના આપવામાં આવી છે. જો આ લેખિત સૂચનાનો કોઈ દુકાનદાર પાલન નહીં કરે તો તેની સામે કાયદાકીય રીતે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. તેમજ ગ્રામ પંચાયતો દ્વારા દંડ પેટે રૂપિયા 2100 વસૂલ કરવામાં આવશે. જેને ગંભીરતાથી લેતાં આજથી સુથારપાડા ખાતે આવેલા બજારોની 200 જેટલી દુકાનોના દુકાનદારોએ પોતાની તમામ દુકાનો બંધ રાખી હતી. જેને પગલે અહીં આગળ સજ્જડ બંધ જેવો માહોલ જોવા મળ્યો હતો.
સુથારપાડાના બજારની તમામ દુકાનો બંધ હોવાને કારણે અહીં એક પીવાના પાણીની બોટલ પણ મળવી મુશ્કેલ બની રહી હતી. ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું હતું કેે, લોકોના હિતમાં અને કોરોના વાઈરસથી બચવા માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સૂચનાનું પાલન કરવામાં આવ્યું છે અને આગામી દિવસમાં જ્યાં સુધી સરકારી તંત્ર તરફથી કોઇ સૂચનાઓ નહીં મળે ત્યાં સુધી બજારો બંધ રાખવામાં આવશે.
મહત્વનું છે કે, કપરાડા તાલુકાનું સુથારપાડા ગ્રામ પંચાયતએ મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલું છેવાડાનું ગામ છે અને અહીં આગળથી નાસિક જવા માટે આસાનીથી વાહન વ્યવહાર મળી રહે છે. જેના કારણે મહારાષ્ટ્રથી આવતા અને ગુજરાતથી મહારાષ્ટ્રમાં જતા લોકોની સંખ્યા વધુ પ્રમાણમાં અહીં જોવા મળે છે. ગ્રામ પંચાયત સુથારપાડા દ્વારા લેવામાં આવેલો આ મહત્વનો નિર્ણય હાલ તો લોકોના સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે ખૂબ જ હિતાવાહ હોવાનું જાણવા મળી રહ્યું છે.