વાપીઃ રેલવે સ્ટેશનએ ભલે અનેક સુવિધાઓમાં પાંગળુ રહ્યું હોય પણ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડી મબલખ આવક મેળવવામાં A ગ્રેડનું મહત્વનું રેલવે સ્ટેશન છે. કોરોના મહામારી પહેલા વાપી રેલવે સ્ટેશને કુલ 84 ટ્રેનના સ્ટોપેજ હતાં. દરરોજના 25 હજાર જેટલા મુસાફરોના આવાગમન સાથે દૈનિક 25 લાખની વધારે આવક સાથે વાર્ષિક 90 કરોડથી પણ વધુ આવક કમાતુ રેલવે સ્ટેશન હતું.
પરંતુ હાલમાં આ રેલવે સ્ટેશને માત્ર 5 ટ્રેનના સ્ટોપેજ છે. કર્ણાવતી, અવધ એકપ્રેસ જેવી પાંચ ટ્રેન સિવાય હાલ કોઈ ટ્રેન રેલવેના આ મહત્વના સ્ટેશન પર થોભતી નથી. કોરોનાની મહામારીને કારણે રેલવે સેવા પર આ ગંભીર અસર પડી છે. હાલમાં અહીં ટીકીટ બુકિંગ કરેલા મુસાફરોને જ પ્રવેશ આપવામાં આવે છે. જે માટે અહીં ખાસ ટીમ પણ તૈનાત કરી છે.
રોજના જે પણ સ્પેશ્યલ ટ્રેનમાં જનારા મુસાફરો આવે છે. તેમનું સ્ક્રિનિંગ થાય છે. તેમની ટીકીટ ચેક કરવામાં આવે છે. ત્યાર બાદ જ સ્ટેશન પરથી ટ્રેનમાં બેસવા દેવામાં આવે છે. જ્યારે બાકીના મુસાફરોને રેલવે સુરક્ષાકર્મીઓના સહકારથી રવાના કરી દેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જે પણ મુસાફર વાપી રેલવે સ્ટેશનથી જઈ રહ્યા છે અથવા તો આવી રહ્યા છે. તેની ટ્રેન મુજબની સરેરાશ માત્ર 200થી 300 છે. જેઓએ એક કલાક પહેલાં રેલવે સ્ટેશને પહોંચવું પડે છે. જ્યાં તેમના હેલ્થ ચેકઅપ સાથે બુકીંગ ટિકિટની પણ ચકાસણી કરવામાં આવે છે. જેમાં વેઇટિંગ ટીકીટ વાળા કે જનરલ ટીકીટ વાળા મુસાફરોને પ્રવેશ આપવામાં આવતો નથી.
ટૂંકમાં એક સમયે દૈનિક હજારો પ્રવાસીઓ થકી લાખો અને વાર્ષિક કરોડો રૂપિયાની આવક મેળવતા વાપી રેલવે સ્ટેશનની આ આવક પર કોરોના કાળના પંજાએ બ્રેક મારી દીધી છે. એ સાથે જ રેલવે સ્ટેશન પર ટ્રેનની કીકીયારી કરતા વ્હીસલનો અવાજ પણ ગાયબ થઈ ગયો છે.