વલસાડ: આજે નાની તાંબાડી ખાતે મળેલી કોંગ્રેસ કાર્યકરોની રણનીતિ માટેની બેઠકમાં દરેક બુથ દીઠ જનમિત્ર મુકવામાં આવશે. જેમાં એક મહિલા કાર્યકર અને એક યુવા કાર્યકર નિમવામાં આવશે. આજે કાર્યક્રમ દરમિયાન માજી સાંસદ કિશન પટેલે કહ્યું કે, જનારા ભલે ગયા પણ એ જુઓ કે એમણે આદિવાસી માટે શું કર્યું છે? જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયતમાં તેમને નડે નહીં એ માટે એક પણ કાર્યકર્તાને ઉભા થવા દીધા નથી. પણ હવે તેમના ગયા બાદ અનેક કાર્યકરોમાં જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે.આવા સમયે દરેક કાર્યકર્તાએ એકજુટ થવું જોઈએ.
કપરાડા બેઠકના પ્રભારી અને માજી કેન્દ્રીય કેબિનેટ પ્રધાન તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, કપરાડા બેઠકની ચૂંટણી માવઠું છે. જે નુકશાન કરે એમ છે. એટલે દરેક કાર્યકરોએ ચેતતા રહેવું જોઈએ. જીતુભાઇ આદિવાસીનાં ભલા માટે ગયા હોત તો અમને આનંદ થાત. પણ તેમણે બીજાના નહીં પોતાના ભલા માટે આ પગલું ભર્યું છે. જીતુ ચૌધરીનુું આ પગલું કોંગ્રેસને અને તેમના કાર્યકરોને લાફો મારવા જેવું છે. તેમને સબક શીખવવા માટે કોંગ્રેસે કોઈ પણ ભોગે કપરાડાની બેઠક કબ્જે કરવી જ જોઈએ. કોંગ્રેસ સમિતિની બેઠકમાં જે નામો નક્કી કરાશે એ ઉમેદવારને ટીકીટ આપવામાં આવશે. ઉમેદવાર સ્થાનિક જ હશે તેવી ડૉ.તુષાર ચૌધરીએ સ્પષ્ટતા કરી હતી.
આ કાર્યક્રમમાં પ્રભારી મનોજ પરમાર, ડૉ.તુષાર ચૌધરી, મેહુલ વશી, સોમાભાઈ બાતરી, ચિંતુભાઈ નિમેષ વશી, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ દિનેશ પટેલ, જી.પં. સભ્ય શિવાજી પટેલ, ભાવિક પટેલ સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.