વલસાડ: વાપી નજીક છીરી અને રાતા ગામથી કપરાડા-પારડી તરફ જતા માર્ગ પર ગત રવિવારે એક ટ્રકનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં ટ્રક ચાલકે એક આઈશરને અડફેટે લેતા ટ્રક પલ્ટી મારી ગયો હતો. જેમાંથી 35 ટન જેટલો હેઝાર્ડ વેસ્ટ માર્ગ પર ઠલવાય જતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનામાં આઈશરને પણ મોટું નુકસાન થયુ હતું. જ્યારે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ટ્રક છોડીને ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા. GPCBના વૈજ્ઞાનિક અધિકારીએ આ વેસ્ટના સેમ્પલ લીધા હતા. જ્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જેમાં આ ટ્રકમાં ભરેલો વેસ્ટ કેમિકલનો સ્લજ વાપી GIDCના 2nd ફેઈઝમાં આવેલી અમર જ્યોત કેમિકલ અને હવે વેલીયન્ટ ઓર્ગેનિક્સના નવા નામે જાણીતી કંપનીનો હોવાનું બહાર આવ્યું હતું. આ વેસ્ટ કંપનીમાંથી નીકળેલો નોન-હેઝાર્ડસ અને કાયદેસર રીતે કચ્છના ભચાઉ ખાતે મોકલાતો હોવાનું કંપનીના સંચાલકોએ જણાવ્યું હતું. કંપનીના સંચાલકોના જણાવ્યાં મુજબ જે સ્લજ મોકલાતો હતો, આ સ્લજનો જથ્થો અંદાજિત 35 ટન જેટલો હતો. જે આવા વેસ્ટને ઉપાડતી ડી-ટોક એજન્સીને આપ્યો હતો. જે એજન્સીના ટ્રક ડ્રાઇવરે બગવાડા ટોલ પ્લાઝાનો નજીવો ટેક્સ બચાવવા માટે આ માર્ગ પસંદ કર્યો હતો.
અકસ્માત બાદ ટ્રક માલિક અને ટેમ્પો માલિક વચ્ચે સમજૂતી સંધાઈ હતી. એટલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નહોતી. જો કે, નજીવા પૈસા બચાવવાની લાલચ આ અકસ્માતનું કારણ બન્યું છે. તો એ સાથે બીજી પણ અનેક વિગતો સામે આવી છે. જેમાં વાપી GIDCની મોટાભાગની કેમિકલ ફેકટરીના આ વેસ્ટ સ્લજને સ્થાનિક ડમ્પીંગ સાઈટમાં ખાલી કરવામાં મુશ્કેલી સર્જાતી હોય મોટાભાગના ઉદ્યોગોનો વેસ્ટ વાપીથી છેક કચ્છના ભચાઉ કે અંકલેશ્વર ખાતે મોકલવો પડે છે. જે માટે કંપની સંચાલકો પાસેથી ડી-ટોક નામની એજન્સી ટ્રકમાં 5 રૂપિયા આસપાસ કિલોના હિસાબે આ માલ ભરીને લઈ જાય છે.
સમગ્ર મામલે એટલું ચોક્કસ કહી શકાય કે, સ્થાનિક GIDCમાં આ જ માલ 1 રૂપિયે કિલો મોકલી શકાય છે. જેની સામે પાંચ ગણું ભાડું ચૂકવી નિકાલ કરવાની નોબતમાંથી બચવા અને જેમ ટ્રક ચાલકે નજીવા ટેક્સ બચાવવા ચોર રસ્તો પસંદ કર્યો, તેવી રીતે જ ઉદ્યોગકારો પણ થોડા પૈસા બચાવવા કપરડા કે વાપીના એકાંત સ્થળે વેસ્ટનો નિકાલ કરી હાથ ખંખેરવાના પેંતરા રચતા આવ્યાં છે. જેને વાપી GIDCમાંથી કેમિકલ વેસ્ટનો વેપલો કરવાવાળા ધમધોકાર ચલાવી રહ્યા છે.