આઇસોલેશન વોર્ડ માત્ર દેખાવ પૂરતો બનાવી ફૂલ ગુલાબી ચિત્ર ઉભું કરાયું હતું
12 બેડની વ્યવસ્થા માટે ખાટલાને સ્થાને કેટરિંગના ટેબલો ગોઠવી દેવાયા હતા
સમગ્ર બાબતની જાણકારી તંત્રને થતા તાત્કાલિક ટેબલો દૂર કરી ખાટલા મુકાયા
સાંસદના આદર્શ ગામમાં આઇસોલેશન માટે પલંગ પણ નસીબ ન થયા
વલસાડ: પારડી તાલુકાના ગોયમા ગામે આવેલી પ્રાથમિક સ્કૂલમાં કોવિડના દર્દીઓ માટે બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી, પરંતુ બેડના સ્થાને કેટરિંગના ઉપયોગમાં લેવામાં આવતા ટેબલનો ખાટલા તરીકે ઉપયોગ કર્યો હતો. જોકે, સમગ્ર બાબત અંગે વહીવટી તંત્રને જાણકારી મળતા જ તાત્કાલિક કેટરિંગના ટેબલો દૂર કરી પલંગ મુકાયા હતા.
સાંસદના આદર્શ ગામમાં 12 બેડનો અભાવ!
સાંસદના આદર્શ ગામમાં અનેક વિકાસના કાર્યો થયા છે. ત્યારે મારું ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં 12 બેડનું કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં 12 બેડ બનાવવામાં આવ્યા પણ જો કોઈ દર્દી આવે તો એવા સમયે તેમને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવે તેવું હતું. કારણ કે, બેડ બનાવવા માટે કેટરિંગના નાના ટેબલો ઉપર ગોદડાં પાથરીને નામ માત્રનું કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું હતું. જોકે, સમગ્ર બાબતની જાણકારી તંત્રને થતા તેમણે સમગ્ર બાબતને ગંભીરતા પૂર્વક લઇને ટેબલો બદલાવીને સ્થાનિકોની મદદ વડે ખાટલા મુકવામાં આવ્યા હતા.
એક જ દિવસમાં શાળામાં મુકેલા 12 કેટરિંગના ટેબલો બદલી દેવામાં આવ્યા
સામાન્ય રીતે કોઈ પણ દર્દીને સારવાર આપવા માટે કે આરામ કરવા માટે 7થી 8 ફૂટ લાંબા ખાટલાની જરૂર હોય છે, પરંતુ ગોયમા ગામે શાળામાં ઉભી કરવામાં આવેલી આઇસોલેશન સેન્ટરની સુવિધામાં માત્ર 5 ફૂટના કેટરિંગમાં ભોજન પીરસવા કે જમવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ટેબલો ગોઠવીને તેના ઉપર ગોદડાં પાથરીને આવનારા અધિકારીઓ માટે ફૂલ ગુલાબી વાતવરણ ઉભું કરવામાં આવ્યું હતું. જોકે, સમગ્ર બાબત જયારે બહાર આવી તો વહીવટી તંત્ર દ્વારા સમગ્ર બાબતને ગંભીરતાપૂર્વક લઇને બદલી દેવામાં આવ્યા હતા.
આસોલેશન વોર્ડ ઉભું કરવા માટે 12 ખાટલા પણ ઉપલબ્ધ ન થયા
મહત્વ નું છે કે, સમગ્ર બાબતે પંથકમાં ખાસ્સી ચર્ચા જગાવી છે કે, સાંસદ દ્વારા આદર્શ કહેવામાં આવેલા ગામમાં આસોલેશન વોર્ડ ઉભું કરવા માટે 12 ખાટલા પણ ઉપલબ્ધ ન થયા. આખરે સ્થાનિકો એ કેટરિંગમાં ઉપયોગમાં લેવાતા ટેબલો ગોઠવાયાની નોબત આવી. જોકેે, હાલ થયેલા વિવાદ બાદ ટેબલો બદલીને ખાટલા મુકવામાં આવ્યા છે.