- ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર સરહદી વિવાદ
- સ્ટ્રીટ લાઇટની મંજૂરી ના લીધી હોવાનો વિવાદ
- સોળસુંબા પંચાયતે લોકહિત માટે મહારાષ્ટ્રની હદમાં સ્ટ્રીટ લાઈટ નાંખી
વલસાડ : જિલ્લાના ઉમરગામ તાલુકાનું સોળસુંબા ગામ મહારાષ્ટ્રની સરહદે આવેલું બોર્ડર વિલેજ ગામ છે. અહીં ભૌગોલિક પરિસ્થિતિ મુજબ 3 કિલોમીટર સુધીના વિસ્તારમાં ક્યાંક ગુજરાતની સરહદ તો ક્યાંક મહારાષ્ટ્રની સરહદ આવેલી છે. જેને લઈને સોળસુંબા ગ્રામ પંચાયતે પંચાયતની હદમાં સ્ટ્રીટ લાઈટ નાંખવા માટે મહારાષ્ટ્રની હદમાંથી લાઇન લઈ જવી પડી છે. જેમાં લોકહિતને ધ્યાને રાખી 4 જેટલા થાંભલા ઉભા કરી અજવાળું પાથર્યું છે. જે હાલ વિવાદનું કરણ બન્યું છે.
સ્ટ્રીટ લાઈટને લઈ ઉભો થયો વિવાદ
આ અંગે મહારાષ્ટ્ર ના વેવજી ગ્રામ પંચાયતે સોળસુંબા ગ્રામ પંચાયત પર આક્ષેપ કર્યો છે કે પંચાયતની મંજૂરી વગર અહીં મહારાષ્ટ્રની જમીન પર સ્ટ્રીટ લાઈટના થાંભલા લગાવી અતિક્રમણ કર્યું છે. જો કે આ વિવાદ અંગે સોળ સુંબા ગ્રામ પંચાયતના સરપંચ અમિત પટેલે ખુલસો કર્યો હતો કે ,લોકહિતમાં લગાવેલ સ્ટ્રીટ લાઈટ માટે વેવજી ગ્રામ પંચાયતમાથી મંજૂરી લીધી છે. જેના પુરાવરૂપેનો પત્ર છે. અને આ અંગે વલસાડ કલેકટરને ધ્યાન દોરી પુરાવા રજૂ કરશે. જ્યારે સરહદી વિવાદ અંગે વેવજી ગ્રામ પંચાયતના ગ્રામવિકાસ અધિકારી મંગેશ પાટીલે જણાવ્યું હતું કે, સોળસુંબા ગ્રામ પંચાયત દ્વારા મહારાષ્ટ્રની હદમાં સ્ટ્રીટ લાઈટોના થાંભલા ઉભા કર્યા છે. જે અંગે વેવજી પંચાયતમાંથી મંજૂરી લેવામાં આવી નથી.
પંચાયતની માંગણી મુજબ અન્ય વિકલ્પ વિચારશે
આ સમગ્ર મામલે પાલઘર કલેકટરને જાણ કરી છે. અને બે રાજ્યની સરહદનો પ્રશ્ન હોય બંને જિલ્લાના કલેકટર આ અંગે નિર્ણય લેશે તેવું પાલઘર કલેકટરે જણાવ્યું છે.ઉલ્લેખનીય છે કે સોળસુંબા પંચાયત દ્વારા સોળસુંબાથી વેવજી બોરીગાંવ માર્ગ, અને સોળસુંબાથી પાલઘર તરફ જતા બે માર્ગ પર ત્રિકોણ આકારે જગ્યા હોય અહીં બે સાઈડમાં સોળસુંબા ગ્રામ પંચાયતે સ્ટ્રીટ લાઈટો લગાવી છે. કુલ 40 જેટલી સ્ટ્રીટ લાઈટમાંથી 4 જેટલી સ્ટ્રીટ લાઈટના થાંભલા મહારાષ્ટ્રની હદમાં છે. જે માટે પંચાયત વતી ઠરાવ કરી પૂર્વ મંજૂરી લીધી છે. જો કે હવે વિવાદ ઉભો થતા વેવજી ગ્રામ પંચાયતની માંગ મુજબ અન્ય વિકલ્પ પસંદ કરી થાંભલા દૂર કરાશે તેવું અમિત પટેલે જણાવ્યું છે. જ્યારે સમગ્ર મામલે વલસાડ-પાલઘર વહીવટી તંત્ર શુ નિર્ણય લેશે તેના પર સૌની મીટ મંડાઈ છે.