મતદાર યાદીમાં છબરડાને કારણે વલસાડ જિલ્લામાં એક મતદારને કડવો અનુભવ થયો હતો. વહેલી સવારે ઉત્સાહભેર મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચેલા મતદારને સ્થળ પરના પ્રિસાઈડિંગ ઓફિસરે મતદાર યાદી જોયા બાદ જણાવ્યું હતું કે, તમારું મતદાન તો પોસ્ટલ બેલેટથી થઈ ગયું છે. આશ્ચર્યમાં મુકાયેલા મતદારે હોબાળો કર્યો હતો, બાદમાં મામલો થાળે પડ્યો હતો પરંતુ મતદારને મત નાખવા દેવામાં આવ્યો ન હતો.
વલસાડના ધરમપુરમાં મસ્જિદ ફળિયામાં રહેતા મકરાણી ઐયાઝ અબ્દુલ આજે પોતાના મતદાન બુથ પર મતદાન કરવા ગયા હતા, પરંતુ ત્યાં મતદાર યાદીમાં આવેલા તેમના નામ સામે પોસ્ટલ બેલેટનો સ્ટેમ્પ મારી દેવામાં આવ્યો હતો.
ઐયાઝભાઈ કોઈ સરકારી કર્મચારી નથી કે ન કોઈ શિક્ષક તેમ છતાં તેમના નામનો વોટ કોણ નાખી ગયું એ પ્રશ્ન ઉદભવતા કોઈ એ બોગસ મતદાન કર્યું હોવાનો આક્ષેપ કરાયો હતો. જો કે, આખરે તેને મતદાનથી વંચિત રહેવું પડયું હતું.
નોંધનીય છે કે, વલસાડમાં નવી મતદાર યાદી અને ઇલેક્શન કાર્ડમાં પણ અનેક છબરડા જોવા મળ્યા હતા. તેમાં મહિલાના નામના સ્થાને પુરુષનું નામ ચડાવી દેવામાં આવ્યું હોય, તેવા પણ અનેક કિસ્સા સાંભળવા મળ્યા હતા.