વલસાડ: જિલ્લાના રેલવે સ્ટેશન ખાતે શનિવારે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં મુસ્લિમ સમાજ તેમજ વલસાડની વિવિધ સંસ્થાઓના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરનું આયોજનનો હેતુ કોરોના બીમારીને માત આપવા માટે જરૂરિયાતમંદોને સમયસર બ્લડ મળી રહે તેવો હતો.
આ રક્તદાન શિબિરમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના સભ્યો, મુસ્લિમ સમાજના સભ્યો સહિત વલસાડ જિલ્લાની વિવિધ સંસ્થાઓના સભ્યોએ આગળ આવીને રક્તદાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં ગત કેટલાક સમયથી કોરોનાની મહામારીને લઈને લોકોને બ્લડની જરૂરિયાત વર્તાય છે. જેને લઇને રોજિંદા 30થી વધુ બ્લડ યુનિટોની જરૂરિયાત ઊભી થાય છે, ત્યારે આવી જરૂરિયાતોને પહોંચી વળવા માટે બ્લડ બેન્ક પાસે પણ ઘણીવાર બ્લડનો જથ્થો ઉપલબ્ધ રહેતો નથી. જેથી આવી રક્તદાન શિબિરમાંથી એકત્ર કરેલું બ્લડ જરૂરિયાતમંદની માગ સંતોષી શકે છે.